કચ્છના શહેરોમાં અનુ. જાતિના છાત્રો માટે છાત્રાલયો શરૂ કરવા માગણી

ગાંધીધામ, તા. 15 : કચ્છના ભુજ, નખત્રાણા, માંડવી વગેરે શહેરોમાં શિક્ષણ મેળવવા ઈચ્છુક અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સગવડ ન હોવાને કારણે આવા વિદ્યાર્થીઓના વિકાસમાં અવરોધ ઊભો થતો હોઈ આ અંગે કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારને રજૂઆત કરવામાં આવી હતી. આ જિલ્લો ઔદ્યોગિક રીતે હરણફાળ વિકાસ સાધી રહ્યો છે. અહીંના યુવાનો પણ શિક્ષણ મેળવીને પોતાનો વિકાસ થાય તેવું ઝંખી રહ્યા છે. આ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ખૂબ મોટો છે. જેમાં શિક્ષણ મેળવવા સાથે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને દૂર-દૂર જવું પડે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે પ્રયત્ન કરી   રહી છે. જિલ્લાનું પાટનગરભુજ એ શિક્ષણનું કેન્દ્ર છે. જેમાં અનુ. જાતિના ધો. 9 અને 10ના છાત્રાલય ન હોવાથી અનેક હોશિયાર વિદ્યાર્થીઓ હોવા છતાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે શિક્ષણ મેળવી શકતા નથી. તેમજ નખત્રાણામાં પણ દૂર-દૂરના ગામડાઓની વિદ્યાર્થિનીઓ શિક્ષણ મેળવવા આવે છે. આ ગામમાં કોલેજ સુધીનો અભ્યાસ છે. આવામાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અનેક વિદ્યાર્થિનીઓને શિક્ષણ પડતું મૂકવું પડે છે, ત્યારે આ ગામમાં વિદ્યાર્થિનીઓ માટે છાત્રાલયની તાતી જરૂરિયાત છે. આવી રીતે માંડવીમાં પણ છાત્રાલયની જરૂરિયાત છે.જો આ ત્રણ શહેરોમાં અનુ. જાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બને તો વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે, તેવી રજૂઆત અખિલ કચ્છ મારૂ (વણકર) એકતા મંચ દ્વારા કેબિનેટ મંત્રીને કરવામાં આવી હતી. આ વેળાએ મંચના પુરુષોત્તમ ગોરડિયા, લધારામભાઈ બુચિયા, પચાણભાઈ સંજોટ, દેવેન ધુઆ, અરવિંદ લેઉઆ, ગણેશ ખોયલા, વિક્રમ પાયણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer