નીલપરમાં બે પરિણીત મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ગાંધીધામ, તા. 20 : રાપર તાલુકાનાં નીલપર ગામમાં અગમ્ય કારણોસર રમીલાબેન રમેશ કોલી અને લક્ષ્મીબેન કાનજીભાઇ કોલીએ કેરોસીન પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર પ્રસરી હતી. આ બનાવનાં પગલે પોલીસ બેડામાં દોડધામ મચી હતી. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નીલપરમાં આજે બપોરના અરસામાં રમીલાબેન રમેશ કોલી (ઉ. 30) અને લક્ષ્મીબેન કાનજીભાઇ કોલીએ કેરોસીન પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને રાપર આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારસાર આપ્યા બાદ રાધનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. નીલપર ગામમાં રેખાબા જાડેજાને મરવા માટે મજબૂર કરવાના કેસમાં તપાસ અર્થે આવેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા આરોપીના પરિવારજનોને હેરાનગતિ કરાતી હોવાનાં પગલે મહિલાઓએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. બે પરિણીત મહિલાઓના આત્મહત્યાના બનાવને સમર્થન આપતાં રાપર પી.એસ.આઇ. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ આ મહિલાઓ રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. તેઓની સ્થિતિ નાજૂક હોવાથી નિવેદનો લઇ શકાયા નથી. આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાઓના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે એવું તેઓએ ઉમેર્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer