સાહિત્યસર્જન તપશ્ચર્યા છે, તે સરળ ન હોય

સાહિત્યસર્જન તપશ્ચર્યા છે, તે સરળ ન હોય
માંડવી, તા. 20 : કન્યાદાનની સાથે જ વિદ્યાદાન એક વિરલ ઘટના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તો સપનું છે કે દરેક દીકરી ભણે અને દરેક દીકરી આગળ વધે તેવું રીટા જોશી લિખિત અને વી.આર.ટી.આઈ. દ્વારા પ્રકાશિત પુસ્તક `મનોવ્યથા'નું લેખિકાના લગ્નની પૂર્વ સંધ્યાએ વિમોચન કરી શુભાશિષ પાઠવતાં સમારોહ અધ્યક્ષ સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. જાણીતા વાર્તાકાર માવજી મહેશ્વરીએ પુસ્તકને પોંખતા જણાવ્યું કે જ્યારે નવોદિત વાર્તાઓ લખે ત્યારે વાર્તાકાર તરીકે તપાસવાની ન હોય, એનું વિવેચન કરવાનું ન હોય, વાર્તાશાત્રને પડખે મૂકી ડો. જયંત ખત્રીના પગલાં તપાસવાનો આનંદ લેવાનો હોય. કચ્છી સાહિત્યકાર નારાયણ જોષી `કારાયલે' જણાવ્યું કે `સાહિત્ય સર્જન તપશ્ચર્યા છે તે ક્યારેય સરળ ન હોય.' તેમણે સાહિત્ય સર્જનમાં માંડવીના યોગદાનને બિરદાવતાં જણાવ્યું હતું કે વનુ પાંધીથી જયંત ખત્રી, માવજી મહેશ્વરીથી રીટા જોશી.. કચ્છના સાહિત્યકારોમાં અડધાથી વધારે માંડવીના છે. વી.આર.ટી.આઈ.ના પ્રકાશન અધિકારી ગોરધન પટેલ `કવિ'એ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા આ 111મું પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે. સંસ્થાનું ધ્યેય છે નવોદિતોને પ્રોત્સાહન આપવાનું. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, બ્રહ્મસમાજના અગ્રણીઓ અનિરુદ્ધભાઈ દવે, જયપ્રકાશ ગોર, નારાણભાઈ ઔદિચ્ય, શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, માંડવી તા.પં. પ્રમુખ ગંગાબેન સેંઘાણી, માંડવી નગર સેવા સદનના અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી,  તુલસી સુઝાન વગેરેએ પોતાના પ્રવચનમાં લગ્ન પ્રસંગે અન્ય કાર્યક્રમને બદલે પુસ્તક વિમોચનની ઉમદા પરંપરા બદલ વધાઈ આપી હતી. આ પહેલાં સંતો પૂ. મુરજી દાદા, પૂ. શ્યામભારથી બાપુ, પૂ. જગજીવનબાપુ વગેરેએ દીપ પ્રાગટય કરી આશીર્વચન પાઠવ્યા હતા. શિક્ષક સમાજના અગ્રણીઓ રામસંગજી જાડેજા, આશાભાઈ રબારી, મહેશભાઈ ગોસ્વામી વગેરે સંસ્થાઓએ લેખિકાનું સન્માન કર્યું હતું. લેખિકા રીટા જોશીએ સન્માનના પ્રત્યુત્તરમાં સર્જનયાત્રામાં સાથ આપનારા સૌનો આભાર માન્યો હતો. પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ લેખિકાને રૂા. 11 હજારની શુભેચ્છા ભેટ મોકલી હતી. સંચાલન મદનકુમાર અંજારિયા `ખ્વાબે' કર્યું હતું. જ્યારે આવકાર અને આભાર યજમાન પરિવારના રમેશ જોશીએ કર્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer