દેશલપરની સીમના ખેતર વિશે ગીરોમુક્તિ માટે કરાયેલો દાવો મુંદરા કોર્ટમાં નામંજૂર

ભુજ, તા. 20 : બસો કોરીના મૂલ્યના બદલામાં 40 વર્ષની મુદત માટે ગિરવે રખાયેલા મુંદરા તાલુકાના દેશલપર ગામની સીમમાં આવેલા ખેતર અનુસંધાને કરવામાં આવેલા ગીરોમુક્તિના દાવાને મુંદરાની અદાલતે રદ કરતો મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં અદાલતે એવી ટિપ્પણી કરી હતી કે ગીરોમુક્તિ માટે દસ્તાવેજ અને દાવો મુદતમાં હોવા જરૂરી છે.  દેશલપર ગામની સીમમાં સર્વે નંબર 174/1 ખાતે આવેલા આ ખેતર બાબતે વજુભા વાઘજી જાડેજા અને દામજી કુંવરજી વેલજી ભારાણી વિરુદ્ધ દીવાની દાવો કરાયો હતો. મુંદરાના અધિક સિવિલ જજ રામકુમાર આર્યએ ગીરો સંબંધી કોઇ આધારો રજૂ થયા ન હોઇ, તથા દાવાને મુદતદોષનો બાધ નડતો હોવાનું જણાવી વાદી ટપુભા હરાસિંહ જાડેજાનો દાવો રદ કરતો ચુકાદો આપ્યો હતો. મુંદરાની અદાલતના આ ચુકાદા સામે જિલ્લા કોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવી હતી, જેમાં મુંદરા કોર્ટમાં ફરીથી ટ્રાયલ ચલાવા આદેશ કરાયો હતો. આ દરમ્યાન હાઇકોર્ટ સમક્ષ પણ બીજી અપીલ કરાઇ હતી. તેને પણ ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી. મુંદરા કોર્ટ સમક્ષ પુન: હાથ ધરાયેલી ટ્રાયલ દરમ્યાન કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે મહેસૂલી રેકર્ડથી કોઇ માલિકીના હક્ક ઉત્પન્ન થતા નથી, તો વાદીના દાવાને મુદતદોષ પણ નડી રહ્યો છે. સુનાવણીમાં બંને પક્ષને સાંભળીને દાવો રદ કરતો આદેશ કરાયો હતો. આ કેસમાં પ્રતિવાદીઓ તરફે વકીલ તરીકે મુંદરાના વરિષ્ઠ ધારાશાત્રી પ્રવિણચન્દ્ર ગણાત્રા સાથે જયેશ એન. રાઠોડ રહ્યા હતા.  
  સુઓમોટો કાર્યવાહી પર રોક   બીજી બાજુ, ભુજ તાલુકાના વાવડી ગામની કેટલીક જમીનો બાબતે 15 વર્ષ બાદ કલેક્ટર દ્વારા કરવામાં આવેલી સુઓમોટો કાર્યવાહી સામે રોક લગાવતો હુકમ રાજ્યની વડી અદાલત દ્વારા કરાયો હતો. હાલમાં આ જમીન ધરાવનારાઓ દ્વારા 15 વર્ષ બાદ સુઓમોટોની કાર્યવાહી થઇ શકે નહીં તથા સરકાર દ્વારા કોઇ આધાર-પુરાવા આપ્યા વગર આવી ફરિયાદો કરી શકાય નહીં તે સહિતના પ્રાથમિક વાંધા રજૂ કરાયા હતા, જેની સામે વાંધા નામંજૂર કરતો જવાબ અપાયો હતો. આ હુકમ સામે હાઇકોર્ટમાં અપીલ કરાતાં કલેક્ટરને નોટિસ અપાઇ હતી અને સુઓમોટો કાર્યવાહી સામે રોક લગાવતો આદેશ કરાયો હતો. આ કેસમાં અરજદારોના વકીલ તરીકે શશિકાન્તભાઇ ઠક્કર સાથે દીપક ગોસ્વામી રહ્યા હતા.  
  એટ્રોસિટી કેસમાં આગોતરા  વિશે હાઇકોર્ટમાં નવો વળાંક   દરમ્યાન, એટ્રોસિટી ધારા અંગેના કેસમાં આગોતરા જામીન બાબતે રાજ્યની વડી અદાલત દ્વારા અપાયેલા હુકમ અને નિર્દેશ થકી આ ક્ષેત્રના કેસોમાં નવો વળાંક આવ્યો છે. સતલાસણ પોલીસ મથકમાં નોંધાયેલા સતીશકુમાર બિપિનકુમાર બરવાડિયા વિરુદ્ધના એટ્રોસિટી ધારાના એક કેસને લઇને દાખલ કરાયેલી અપીલ અન્વયે આ નિર્દેશ અપાયો હતો. ન્યાયાધીશ એ.જે. દેસાઇએ આ અપીલ દાખલ કરી અરજદારની ધરપકડ ન કરવી તેવો વચગાળાનો હુકમ કર્યો હતો. આ કિસ્સામાં અરજદારના વકીલ તરીકે કચ્છના ધારાશાત્રી એસ.ટી. પટેલ અને જેમિનિ એસ. પટેલ રહ્યા હતા.  
  કરારના પાલનનો દાવો રદ   ગાંધીધામ ખાતે એસડીએક્સ સાઉથ ખાતે આવેલા મકાન અનુસંધાને વાદી હરકિશનભાઇ દ્વારા પ્રતિવાદી મૂલચંદ ચોઇથારામ સહેજવાણી અને તેમનાં પત્ની રોશનીબેન સામે કરાયેલો કરારના વિશિષ્ઠ પાલનનો દાવો ખર્ચ સહિત રદ કરવામાં આવ્યો હતો. ગાંધીધામના અધિક સિવિલ જજ કે.ડી. વિડજા દ્વારા વાદી તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયાનું તારણ આપીને આ હુકમ કરાયો હતો. આ કેસમાં પ્રતિવાદીના વકીલ તરીકે વી.પી. આલવાણી અને વિશાલ એલ. કાનાન રહ્યા હતા.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer