ગાંધીધામની ભાગોળેથી બિનવારસુ એવા ત્રણ દેશી તમંચા ઝડપાયા

ગાંધીધામ, તા. 20 : કંડલા-ગાંધીધામ વચ્ચે નકટી પુલની બાજુમાં મીઠાના બંધપાળા પરથી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમે ત્રણ દેશી બનાવટના તમંચા તથા નાના-મોટા 15 જીવંત કારતૂસ એમ કુલ્લ રૂા. 5250નો બિનવારસુ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.એસ.ઓ.જી. ટીમને મળેલી પૂર્વ બાતમીના આધારે ગઈકાલે રાત્રે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કંડલાના નકટી પુલની ઉત્તર બાજુ આવેલા મીઠાના અગરના બંધપાળા પાસે આ ટીમ પહોંચી હતી. આ પાળા ઉપર ધૂળ  ચડી ગયેલી હાલતમાં તમંચા નજરે મળી આવ્યા હતા. આ જગ્યાએથી દેશી બનાવટનો લોખંડની બોડીવાળો એક નાળવાળો 12 બોર દેશી તમંચો, ટ્રીગરવાળો તમંચો તથા અન્ય એક ટ્રિગર વગરનો તમંચો અને પાંચ એમ.એમ.ના 4 જીવંત કારતુસ, 7.65 કે.એફ.ના 11 કારતુસ એમ કુલ્લ 15 કારતુસ મળી કુલ્લ રૂા. 5250નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ તમંચા અને કારતુસ અહીં કોણ લાવ્યું હતું અને શા માટે અહીં રાખ્યા હતા. અને કેવા પ્રકારના બનાવને અંજામ આપવાના હતા તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer