કર્મચારી રહેણાક નીતિ અંગે ડીપીટીમાં ભડકો

ગાંધીધામ, તા.20 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટમાં કાર્યરત કર્મચારીઓને રહેણાક પ્લોટ ફાળવવા અંગે ટ્રસ્ટી બોર્ડે એક નીતિ ઘડીને શિપિંગ મંત્રાલયની મંજૂરી અર્થે મોકલી છે. આ નીતિને ગેરકાયદે અને અન્યાયી ગણાવીને ડીપીટીના જ 500થી વધુ કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કરતું આવેદનપત્ર આપતાં ભડકો થયો છે.  ડીપીટી ચેરમેનને પાઠવાયેલા લંબાણભર્યા આ 513 કર્મચારીઓએ જણાવ્યું છે કે દર વખતે રહેણાંકના પ્લોટો કર્મચારીઓને ફાળવવા અર્થે મુકાતી શરત કાનૂની રીતે યોગ્ય નથી હોતી. પરિણામે કર્મચારીઓમાં ભેદ ઊભો કરીને અમુકને પ્લોટ અપાય છે અને અમુકને અપાતા નથી.  કેટલીક નીતિમાં વતનમાં જમીન કે મકાન હોય અહીં સ્થાનિકે ન હોય તેને પ્લોટ મળે, કેટલીકમાં પતિ-પત્ની બંનેને મળે પરંતુ ગાંધીધામ-કંડલા નગરપાલિકા વિસ્તારમાં અન્ય કોઈનો પ્લોટ કે મકાન હોય તો તેને ન મળે. પતિ અને પત્ની પૈકી કોઈ એકને મળે તો બીજું આપોઆપ નગરપાલિકા વિસ્તારની શરત તળે અયોગ્ય ગણાય પરંતુ તે બાબત ધ્યાનમાં લેવાતી નથી.  નગરપાલિકા વિસ્તારની થોડે જ બહાર જો મકાન કે પ્લોટ હોય તો તે આ શરત પ્રમાણે પ્લોટ મેળવવા હકદાર બની જાય પરંતુ જો કોઈ કર્મચારીના પત્ની, પુત્ર, પતિ કે અન્ય પરિવારજનનો પ્લોટ કે મકાન પાલિકા વિસ્તારમાં હોય તો તે અટકી પડે. ઉપરાંત આ પરિવારજનની વ્યાખ્યા પણ અસ્પષ્ટ હોવાથી અન્યાયકર્તા છે. આ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે આવી રીતે શરતો મૂકી તેનું મનફાવે તેવું અર્થઘટન કરીને કેટલાક કર્મચારીઓને અન્યાય કરાઈ રહ્યો છે. જાણકારોના કહેવા મુજબ ખરેખર તો આવી શરત મૂકવી જ હોય તો તેમાં વિસ્તારનો મુદ્દો ન હોવો જોઈએ. ડીપીટીમાં આ રજૂઆત થવાના પગલે ભડકો થયો છે અને હવે પ્રસાશન રહેણાંક પ્લોટની નીતિ અંગે ભારે મૂંઝવણમાં મુકાયું છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer