કચ્છના વિકાસની રફતારમાં પંક્ચર પાડતાં અટકી પડેલાં કામો પૂર્ણ કરવા માગણી

ગાંધીધામ, તા. 20 : ગુજરાતે જ્યારથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા હતા ત્યારથી આદરેલી વિકાસયાત્રામાં કચ્છ પણ જોડાયું હતું. આમ છતાં વિકાસની આ રફતારમાં હવે ગમે તે કારણે પંકચર પડી રહ્યા છે. અનેક કામો વર્ષોથી પૂર્ણ જ નથી થતાં તો અન્ય કેટલાક ખાતમુહૂર્ત પછી આગળ નથી વધતાં. હવે આ મુદ્દે વ્યાપારી સંગઠન હોય કે વિપક્ષ કોંગ્રેસ બંનેએ રજૂઆતનો મારો શરૂ કરતાં પ્રશાસનને જવાબ આપવો મુશ્કેલ બન્યો છે. કચ્છ જિલ્લામાં બે સ્થળે ગાંધીધામ નજીક રાજવી રેલવે ફાટકે તથા ભુજ નજીક ભુજોડી રેલવે ફાટકે રેલવે ઓવરબ્રિજના મંજૂર થયેલાં કામો લટકી પડતાં અહીંની અગ્રણી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે નારાજગી પ્રગટ કરી છે. ચેમ્બરના માનદ્મંત્રી મુરલીધર જગાણીની યાદીમાં જણાવ્યા પ્રમાણે આ બંને આર.ઓ.બી. માટે સ્થાનિકે માર્ગ અને મકાન વિભાગ સમક્ષ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ આજ સુધી કોઈ જ પ્રત્યુત્તર મળ્યો નથી કે સમસ્યાનું  યોગ્ય નિરાકરણ આવ્યું નથી. ફરી એક વખત ચેમ્બરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખી સ્થિતિની જાણકારી આપી છે. માર્ગ મકાન ખાતાનો હવાલો તેમની પાસે જ હોવાથી ચેમ્બરે જણાવ્યું છે કે ગાંધીધામના રાજવી ફાટક ખાતે ઓવરબ્રિજ બાંધવાનો જરૂરી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો હતો અને રેલવેએ સંમતિ પણ આપી દીધી હતી, આમ છતાં આ સ્થળે ઓવરબ્રિજના કામની શરૂઆત પણ થઈ નથી. એ જ પ્રમાણે ભુજોડી ખાતે વર્ષોથી ઓવરબ્રિજનું કામ અધૂરું છોડી દેવાયું છે, આ કામો અટકતાં અમૂલ્ય માનવકલાકોનો વ્યય થઈ રહ્યો છે. દરમ્યાન જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સંજયભાઈ ગાંધીએ આગામી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સમાવવા અંગે વિવિધ પ્રશ્નો જિલ્લા સમાહર્તાને મોકલ્યા છે. જેમાં આ બે ઓવરબ્રિજ ઉપરાંત પડાણાના ઓવરબ્રિજની લટકી પડેલી મરંમત, અંજાર-ભુજ માર્ગને ફોરલેન બનાવવા, જિલ્લાના વિવિધ ટોલનાકાની સમસ્યા દૂર કરવા, નાના વાહનોને ટોલનાકામાંથી પસાર થવા દેવા અલાયદી લેન રાખવા વગેરે અંગે નિરાકરણ લાવવા અનુરોધનો સમાવેશ થાય છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer