બંદર-ગોદી કામદારોના હિત ન જળવાય તો આંદોલન અર્થે તૈયાર રહેવા હાકલ

ગાંધીધામ, તા. 20 : ઓલ ઇન્ડિયા પોર્ટ એન્ડ ડોક વર્કર્સ ફેડરેશનની નવી વરાયેલી રાષ્ટ્રીય કારોબારીની બે દિવસીય બેઠક તાજેતરમાં મુંબઇ પોર્ટ ખાતે મળી હતી. આ બેઠકમાં વેજ રિવિઝન સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા. ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ મોહંમદ હનીફના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં બે મિનિટ મૌન પાળી તાજેતરમાં આસીફા ઉપર થયેલા સામૂહિક બળાત્કાર અને તેની ક્રૂર હત્યા ઉપર શોક વ્યક્ત કરાયો હતો. બાળકીને શ્રદ્ધાંજલિ આપી ભારત સરકાર આવી ઘટનાઓ સામે સખત કાર્યવાહી કરે તેવી ભારપૂર્વકની માગણી કરવામાં આવી હતી. બંદર અને ગોદી કામદારોના પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરાઇ હતી. 1-1-2017થી અમલમાં આવનારા વેજ રિવિઝન અંગે ચર્ચા કરાઇ હતી. કામદારોને સારો લાભ મળે અને તેમને મળતા લાભોમાં કોઇ કાપ મૂકવામાં ન આવે તેવો આગ્રહ દ્વિપક્ષીય સમિતિમાં ફેડરેશનના ચૂંટાયેલા સભ્યોને કરવામાં આવ્યો હતો. પ્રશાસન તરફથી કરાયેલી 6 ટકાની પેશકશ નામંજૂર કરવામાં આવી હતી અને ફેડરેશનની 20 ટકા વધારાની માગણીને વાજબી લેખાવી હતી. આ મામલે જો કોઇ સંતોષકારક સમાધાન ન થાય તો કામદારોને કોઇ પણ પ્રકારના આંદોલન કે રાષ્ટ્રવ્યાપી હડતાળ માટે તૈયાર રહેવા હાકલ કરવામાં આવી હતી. મેજર પોર્ટ ટ્રસ્ટ એકટ 1963ને બદલે મેજર પોર્ટ ઓથોરિટી એકટમાં બદલવા અંગેના પ્રસ્તાવિત બિલનો વિરોધ કરાયો હતો. આ મામલે જરૂર પડયે કાનૂની કાર્યવાહી કરવા તૈયારી દર્શાવવામાં આવી હતી. ફેડરેશનના સંયુક્ત મહામંત્રીને કાનૂની અભિપ્રાય લેવા અને ફેડરેશનને જાણ કરવા અધિકાર આપવામાં આવ્યા હતા. વર્ગ 3 અને 4ના વિવિધ કેટેગરીના યોગ્ય વર્ગીકરણની એક સદસ્ય કમિટીને ભલામણો અંગે ચર્ચા કરાઇ હતી. પ્રશાસન અને ફેડરેશનના સભ્યોની કમિટીની કાર્યવાહી અંગે વિચાર વિમર્શ કરાયો હતો. બેઠકમાં હાજર રહેલા ફેડરેશનના સંયુક્ત મહામંત્રીએ દીનદયાલ પોર્ટના બાકી રહી ગયેલા કામદારોના રહેણાકના પ્લોટ અંગે રજૂઆત કરી હતી. ફેડરેશન આ અંગે શિપિંગ સચિવ અને અન્ય અધિકારીઓ સમક્ષ આ પ્રશ્ને રજૂઆત કરે તેવી માંગ કરાઇ હતી, જેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં વિવિધ મહાબંદરોમાં પ્રશ્નોની ચર્ચા અને જે તે મહાબંદરોમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃતમાં ચર્ચા-વિચારણા કરાઇ હોવાનું એચ.એમ.એસ. કંડલાના મહામંત્રી મનોહર એલ. બેલાણીએ જણાવ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer