ચેન્નાઇને ચાર રને હરાવતું પંજાબ

ચંદીગઢ, તા. 15 : મહેન્દ્રસિંહ ધોનીના છેલ્લા દડા સુધીના સંઘર્ષ છતાં તે ટીમનો વિજયનો સ્વાદ ચખાડી શક્યો ન હતો અને ચેન્નાઇ સુપર કિંગ્સનો કિંગ્સ ઇલેવન પંજાબ સામે ચાર રને પરાજય થયો હતો. પંજાબની ટીમે 20 ઓવરમાં સાત વિકેટે 197 રન બનાવ્યા બાદ ચેન્નાઇની ટીમ પાંચ વિકેટે 193 રન બનાવી શકી હતી. 198ના લક્ષ્યનો પીછો કરતાં ચેન્નાઇની શરૂઆત સારી રહી ન હતી. ટીમને પહેલો ઝાટકો બીજી જ ઓવરમાં શેન વોટ્સન (11)ના રૂપમાં લાગ્યો હતો. તે પછી 56ના જુમલે પહોંચતાં સુધીમાં વધુ બે બેટધરો મુરલી વિજય (12) અને બિલિંગ્સ (9) આઉટ થઇ ગયા હતા. છેડો સાચવીને રમતા રાયડુએ ધોની સાથે દાવને મજબૂતી આપી હતી પરંતુ તે માત્ર એક રને અર્ધશતક ચૂકી 49ના અંગત જુમલે રનઆઉટ થતાં તેમની જવાબદારી ધોની અને જાડેજા પર આવી હતી. આ બંનેએ ટીમને વિજયની નજીક પહોંચાડી હતી પરંતુ જાડેજા (19) રૂપે વધુ એક ઝાટકો ચેન્નાઇને સહેવો પડયો હતો. ધોનીએ 44 દડામાં 79 અણનમ રન બનાવ્યા છતાં ટીમ વિજયથી દૂર 20 ઓવરમાં 193 રને સીમિત બની હતી. બોલિંગ મોરચે ટાઇને બે જ્યારે શર્મા અને અશ્વિનને 1-1 વિકેટ મળી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતી ફરી એક વખત બોલિંગ પસંદ કરતાં પંજાબની ટીમ દાવમાં ઊતરી હતી. પંજાબ માટે પહેલી મેચ રમી રહેલા ક્રિસ ગેલે 33 દડામાં ધુંઆધાર 63 રન ઝુડી દઇ ટીમને ઝડપી શરૂઆત આપી હતી. તેની સાથે લોકેશ રાહુલે પણ 22 દડામાં 37 રનનું યોગદાન આપ્યું હતું. જો કે એક સમયે મોટા જુમલા ભણી આગળ વધતી પંજાબની ટીમ ગેલની વિદાય બાદ 200નો આંકડો પણ પાર કરી શકી ન હતી. સતત પડતી વિકેટોએ ટીમના રનરેટમાં ભારે ઘટાડો આણ્યો હતો અને ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 197 રને સીમિત થઇ હતી. ચેન્નાઇ માટે ઇમરાન તાહિર અને શાર્દૂલ ઠાકુરે 2-2 વિકેટ જ્યારે હરભજન, વોટ્સન અને બ્રેવોએ 1-1 વિકેટ મેળવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer