કાળમુખા અકસ્માતમાં એક જ કુટુંબના 10નાં મોત

કાળમુખા અકસ્માતમાં એક જ કુટુંબના 10નાં મોત
ભચાઉ, તા. 15 : ભુજ-ભચાઉ ધોરીમાર્ગ ઉપર શિકરા ગામ નજીક યુરો સિરામિક કંપની સામે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગાંધીધામનાં કુંભારડી ગામે સગાઇ અર્થે જતી ખાનગી લકઝરી બસ અને શિકરાથી વિજપાસર સગાઇ પ્રસંગે મામેરું આપવા જતા પટેલ પરિવારના ટ્રેકટર વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં મંગલિયા ગીતોની વચ્ચે ચીસાચીસ થઇ પડી હતી. આ જીવલેણ અકસ્માતમાં ટ્રેકટર પર સવાર શિકરા ગામના પટેલ પરિવારના 9 તથા એક વિજપાસરના મહિલા એમ કુલ 10 લોકોનાં કરુણ મોત થયાં હતાં. તો ઘવાયેલા 10 લોકોને સારવાર અર્થે વાગડ વેલ્ફેર ગાંધીધામ તથા રાજકોટ એમ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આજે સવારે આ ગમખ્વાર અકસ્માતને પગલે ફરી એક વખત ભુજ-ભચાઉ માર્ગ રક્તરંજિત બન્યો હતો. કાળમુખા આ અકસ્માત પછી બનાવસ્થળે આંખો મીંચી દેનારા લોકોની લાશોને પી.એમ. માટે લઇ જવાઇ હતી. કઠણ હૃદયના માનવીના પણ પગ ધ્રુજાવી દે તેવો આ બનાવ આજે સવારે 9-45ના અરસામાં ભુજ-ભચાઉ માર્ગ ઉપર શિકરા ગામ નજીક યુરો સિરામિક કંપની પાસે બન્યો હતો. શિકરા ગામનાં લેવા પાટીદાર સમાજના અનાવાડિયા સાંખના શવજી પદમા અનાવાડિયા (પટેલ) પરિવારની દીકરીને ત્યાં વિજપાસર ખાતે દીકરા-દીકરીની સગાઇ પ્રસંગે ટ્રેકટરમાં સવાર થઇને મામેરું આપવા આ પરિવાર જઇ રહ્યો હતો. તો ગાંધીધામનાં ભારતનગર વિસ્તારમાં રહેતા ભોગીલાલ વસ્તાભાઇ સથવારાના પુત્ર વિરલની સગાઇ હોવાથી આ પરિવાર કુંભારડી ખાતે જઇ રહ્યો હતો. દરમ્યાન આ ખાનગી લકઝરી બસ નંબર જી.જે. 18-ટી 8359 અને સામેથી આવતા ટ્રેકટર ટ્રોલી નંબર જી.જે. 12-સી.પી. 9028 ધડાકાભેર અથડાતાં આ ટ્રેકટર હવામાં ઊછળીને ફંગોળાયું હતું અને બસ આગળ નીકળી ગઇ હતી. આ બનાવથી થોડીવાર પહેલાં બન્ને વાહનોમાં મંગળિયા ગવાઇ રહ્યા હતા હવે તેની જગ્યાએ ચીસાચીસ થઇ પડી હતી અને આ મંગળિયા મરશિયામાં ફેરવાઇ ગયા હતા. આ બનાવમાં ઘવાયેલા બાળકો, મહિલાઓ આક્રંદ કરતાં વાતાવરણ ભારે ગમગીન બન્યું હતું. આ કાળમુખા અકસ્માતમાં શિકરા ગામના કંકુબેન ભીમાભાઇ અનાવાડિયા (ઉ.વ. 60), પમીબેન નરશીંભાઇ અનાવાડિયા (ઉ.વ. 55), દયાબેન મૂળજીભાઇ અનાવાડિયા (ઉ.વ. 35), માનાબેન રતાભાઇ અનાવાડિયા (ઉ.વ. 50), નિશાબેન પેથાભાઇ અનાવાડિયા (ઉ.વ. 17), રામાબેન માદેવાભાઇ અનાવાડિયા (ઉ.વ. 60), કિશોર મૂળજી અનાવાડિયા (ઉ.વ. 10), વિશાલ રમેશ અનાવાડિયા (ઉ.વ. 20) તથા વિજપાસરના જિજ્ઞાબેન ઇશ્વરભાઇ ભુટક (ઉ.વ. 25)ને તત્કાળ કાળ આંબી ગયો હતો તેમજ નાનજી હીરાભાઇ અનાવાડિયા (ઉ.વ. 90)એ સારવાર દરમ્યાન આંખો મીંચી લીધી હતી. ચાર સગી દેરાણી-જેઠાણી, બે પૌત્રી, એક પૌત્ર, બે પિતરાઇ ભાઇ અને ઘરના એક વડીલ એમ કુલ્લ 10 લોકોનાં મોતને પગલે ગામ આખું હિબકે ચડયું હતું તેમજ હંસાબેન અરવિંદ પટેલ (ઉ.વ. 25), શાંતાબેન અણદા પટેલ (ઉ.વ. 40), નીતાબેન સતીશ ચામરિયા (ઉ.વ. 30), હેતલબેન પેથા પટેલ (ઉ.વ. 15), રમેશ?ધનજી સથવારા (ઉ.વ. 42), રમીલાબેન રતનશીં પટેલ (ઉ.વ. 35), વિવાન સતીશ ચામરિયા (ઉ.વ. દોઢ), આર્યન અરવિંદ પટેલ (ઉ.વ. 5) અને ભીમાભાઇ?નાનજી અનાવાડિયા (ઉ.વ. 55)ને ઇજાઓ થતાં તમામને પ્રથમ વાગડ વેલ્ફેર ભચાઉ, ત્યાંથી રાજકોટ-ગાંધીધામ વગેરે જગ્યાએ સારવાર અર્થે ખસેડાયા હતા.આવામાં વિજપાસરમાં રહેતા જિજ્ઞાબેન ભુટક મામેરા પ્રસંગે નહોતા જવાના પરંતુ આ ટ્રેક્ટર વિજપાસર જતું હોવાથી તેમાં સવાર થયા હતા અને કાળનો કોળિયો બની ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ભયાવહ અકસ્માતનાં પગલે હસતા રમતા પરિવારનો માળો પીંખાઇ ગયો હતો. વિજપાસર રહેતા ભાણેજ-ભાણેજીની સગાઇ ચાંદલાવિધિ હતી જેમાં ભાણેજની સગાઇ ભચાઉ તાલુકાનાં લખપત થવાની હતી જેથી ઘરના અમુક સભ્યો ત્યાં પહોંચે તે પહેલાં આ કાળમુખા સમાચાર મળતાં ઘરના રમેશ માદેવા અનાવાડિયાની તબિયત બગડતાં તેમને પણ સારવાર અર્થે ખસેડાયા હતા. આ કાળમીંઢા અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા પટેલ પરિવારના લોકોની આવતીકાલે મુંબઇથી સગાં-વ્હાલાં આવી જાય બાદમાં અંતિમવિધિ કરવામાં આવશે. આ ચકચારી બનાવને પગલે ભચાઉની સરકારી અને વાગડ?વેલ્ફેર હોસ્પિટલમાં પાટીદાર સમાજના તમામ ગામના આગેવાનો દોડી આવ્યા હતા. આ બનાવ બાદ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ?મહેશ્વરી, પોલીસવડા ભાવનાબેન પટેલ, ભચાઉ મામલતદાર શ્રી વાછાણી, કબરાઉના સરપંચ અને પાટીદાર અગ્રણી કાનજીભાઇ, શિકરાના જયેન્દ્રસિંહ જાડેજા, નારાણભાઇ મણકા, માર્કેટયાર્ડના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, કરશનભાઇ સોની, રવીન્દ્ર પટેલ, સેવાભાવી એવા દેવેન્દ્ર વસંતલાલ કોટક, ગજુભા જાડેજા, ભરતભાઇ કાવત્રા, મહેન્દ્ર આર. પટેલ વગેરે સેવાભાવી લોકો તથા 108 એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને ઘવાયેલાઓને સારવાર અર્થે ખસેડવા સહિતની કામગીરીમાં મદદરૂપ થયા હતા. ભુજ-ભચાઉ વાયા દુધઇ માર્ગને પહોળો કરવાનું કાર્ય છેલ્લા આઠ વર્ષથી ચાલી રહ્યું છે છતાં આ કામ હજુ પૂર્ણ થયું નથી તેવામાં આ માર્ગ ઉપર ભયસૂચક સિગ્નલ, ડાયવર્ઝન, ટ્રાફિક પોલીસ વગેરે બાબતોના અભાવનાં કારણે આ માર્ગ અવારનવાર રક્તરંજિત બને છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. થોડા સમય પહેલાં પણ અહીં મોરબીના બે યુવાનોનાં મોત થયા હતા. આ ગમખ્વાર બનાવ બાદ શિકરા ખાતે અખાત્રીજના 11 સમૂહલગ્નો હતા તે હવે સાદાઇથી યોજવા નિર્ણય કરાયો હતો, તો આધોઇ, ભચાઉ, વોંધ, આંબરડી, રાપરમાં પણ સમૂહલગ્નો પ્રસંગે અસર વર્તાશે. આ અકસ્માત અંગે ભચાઉ, મુંબઇ, નાગપુર, બેંગ્લોર, મધ્ય ગુજરાત સુધી વસતા પાટીદારોને જાણ થતાં ત્યાં પણ શોક ફેલાયો હતો. તો રાજ્યમંત્રી વાસણભાઇ આહીરને આ બનાવની જાણ થતાં ભચાઉ?પી.આઇ. અને સરકારી તંત્રોને ઘવાયેલાઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવા સહિતની સૂચના આપી આ બનાવમાં મૃત્યુ પામેલાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ભચાઉના સરકારી દવાખાનામાં ટ્રોમા સેન્ટર તૈયાર છે ત્યારે આ સેન્ટરમાં તાત્કાલિક સાધન-સામગ્રી અને સ્ટાફની નિમણૂક કરાય જેથી લોકોની જિંદગી બચાવી શકાય તેવી માંગ ઊઠી હતી. વરસોથી ચાલતા આ માર્ગનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા કુંભારડીના સરપંચ શક્તિસિંહ જાડેજાએ અગાઉ પણ રજૂઆતો કરી છે છતાં પણ નિંભર તંત્ર?જાગતું નથી અને લોકોના જીવ ખપ્પરમાં હોમાઇ રહ્યા છે. આ બનાવમાં મૃતકોને સહાય આપવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ?કરાશે તેવું પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું હતું. આ માર્ગ ઉપર ભારે અને તોતિંગ વાહનો માતેલા સાંઢની માફક દોડતા હોય છે ત્યારે આ માર્ગનો શ્રદ્ધાળુઓ, પગપાળા જનારાઓ પણ?ઉપયોગ કરે છે જેથી અહીં આવા લોકો માટે પણ?માર્ગ બનાવવા અશોકભાઇ પટેલે માંગ કરી હતી. દરમ્યાન આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલા અને જખ્મી થયેલાઓ માટે તાત્કાલિક સહાય ચૂકવાય તેવી માગણી કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભરતભાઇ છગનભાઇ ઠક્કરે મુક્યમંત્રી સમક્ષ કરી હતી. બનાવનાં પગલે ભરતભાઇ તથા પક્ષના ભચાઉ નગરના પ્રમુખ અભય હાલાણી વગેરેએ જાત મુલાકાત લઇને ભોગ બનનારાઓને સાંત્વના આપી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer