ભુજમાં ઘરમાં ચાલતો જુગારનો અડ્ડો દરોડામાં ઝપટે : નવ ખેલી ઝડપાયા

ભુજમાં ઘરમાં ચાલતો જુગારનો અડ્ડો દરોડામાં ઝપટે : નવ ખેલી ઝડપાયા
ભુજ, તા. 15 : શહેરમાં સરપટ નાકા બહાર શિવનગર વિસ્તારમાં એક રહેણાકના મકાનમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ આજે જિલ્લાસ્તરેથી કાયદાના રક્ષકોની ઝપટે ચડી હતી. આ સ્થળે પડાયેલા દરોડામાં નવ આરોપીને રૂા. 1.21 લાખ રોકડા સહિત કુલ્લ રૂા. 1.70 લાખની માલમત્તા સાથે ઝડપી પાડી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. શિવનગર ખાતે લાભશંકર રતિલાલ ગોરના 47 નંબરના મકાન ઉપર પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ આજે મોડી સાંજે આ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મકાનમાલિક લાભશંકર ગોર ઉપરાંત ભુજના ધર્મેશ હીરાગર ગુંસાઇ, નખત્રાણાના દર્શન કાન્તિભાઇ ચૌહાણ, ભુજના હિરેન દિનેશભાઇ ઠક્કર, મુકેશ રામચન્દ્ર જગવાણી (સિંધી), ધર્મેશ શંભુગર ગુંસાઇ, અનિલ- ઉર્ફે ઇન્દિયો બાબુલાલ શાહ, અશ્વિન તારાચંદ શાહ અને મિતેશ દિનેશભાઇ ઠક્કરને જુગાર રમવાના આરોપસર પકડાયા હતા.  સત્તાવાર સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પકડાયેલા તહોમતદારો પાસેથી રૂા. 1.21 લાખ રોકડા ઉપરાંત સાત મોબાઇલ ફોન અને બે બાઇક મળી કુલ્લ રૂા. 1.70 લાખની માલમતા કબ્જે કરાઇ હતી. તમામ આરોપી સામે જુગારધારા 4, 5 મુજબ ગુનો બી. ડિવિઝન પોલીસમાં દાખલ કરવામાં આવ્યો હતો. કાર્યકારી જિલ્લા પોલીસ અધીક્ષક રવિ તેજા શેટ્ટીની સૂચનાથી એલ.સી.બી. પી.આઇ. જે.એમ. પંચાલના માર્ગદર્શન તળે શાખાના ફોજદાર એસ.જે. રાણા સાથે સ્ટાફના સભ્યો આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા તેમ પોલીસે ઉમેર્યું હતું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer