વિરાસત સાચવવામાં પુસ્તકાલયોનો સિંહફાળો

વિરાસત સાચવવામાં પુસ્તકાલયોનો સિંહફાળો
ભુજ, તા. 15 : દોઢ સદી પહેલાં શરૂ થયેલી જ્ઞાનની ગંગા આજે પણ ખળખળ કરતી વહેતી રાખનારા પૂર્વ અને વર્તમાન તમામ ટ્રસ્ટીઓ અભિનંદનના અધિકારી છે એવું આજે ભુજ ખાતે મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી  રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગ  કલ્યાણ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું. આ અવસરે પુસ્તકાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા વિદ્યાર્થીઓને વાંચન માટેના અભ્યાસખંડનું  તથા વિશેષ સાર્ધ શતાબ્દી અવસરે પ્રસિદ્ધ કરાયેલી સ્મરણિકાનું પણ વિમોચન  કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અતિથિવિશેષ સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ભુજના ધારાસભ્ય ડો. નીમાબહેન આચાર્યની ઉપસ્થિતિ વચ્ચે નગરના ઉચ્ચ અભ્યાસ તથા  નોકરી માટેની લેવાતી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં પોતાનો અભ્યાસ કરી શકે તે માટે પુસ્તકાલય દ્વારા ખાસ અભ્યાસખંડ તૈયાર કરવામાં આવ્યો છે જેનું લોકાર્પણ સમારંભના અતિથિવિશેષ સાંસદ વિનોદભાઈ ચાવડાએ કર્યું હતું.  દોઢ શતક ઊજવી રહેલું પુસ્તકાલય આપણી વિરાસતને સાચવવામાં સિંહફાળો આપી રહ્યું હોવાનો આનંદ વ્યકત કરી કચ્છના વિકાસ માટેના નવા પ્રકલ્પો માટે આગળ આવવા તેમણે આહ્વાન કર્યું હતું. અન્ય અતિથિવિશેષ ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે આ પુસ્તકાલય સાથે પોતે લાંબા સમયથી સંકળાયેલા હોવાની વાત કરી શુભેચ્છા પાઠવી સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.   સમારંભના અધ્યક્ષ વાસણભાઈએ પુસ્તકાલયને શહેરનું સંસ્કાર ઘરેણું ગણાવતાં તેનાં જતન અને સંવર્ધનની સૌની સહિયારી જવાબદારી હોવાનું જણાવી રાજ્ય સરકારસ્તરે કોઈ પણ સહયોગની ખાતરી આપી હતી. આ અગાઉ પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાયે શાબ્દિક સ્વાગત કર્યું હતું, તો પુસ્તકાલયના વરિષ્ઠ ટ્રસ્ટી પીયૂષ પટ્ટણીએ પ્રસંગ પરિચય આપ્યો હતો.આ પ્રસંગે પ્રસિદ્ધ કરવામાં આવેલી સ્મરણિકાનું વિમોચન મંચસ્થ મહાનુભાવોના હાથે કરવામાં આવ્યું હતું . મહાનુભાવોની સાથેસાથે  વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી, એકલમાતા જાગીરના મહંત દેવનાથબાપુ તથા મોટી પોશાળના પ્રવીણ ગોરજી  પણ  ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તકાલયના ટ્રસ્ટી નરેશ અંતાણીએ શુભેચ્છા સંદેશાઓનું વાંચન કર્યું હતું, જ્યારે ટ્રસ્ટી અને સ્મરણિકા સંપાદન સમિતિના સભ્ય દલપત દાણીધારિયાએ સ્મરણિકાની વિગતો આપી હતી.  પુસ્તકાલયના પ્રમુખ તેમજ અન્ય ટ્રસ્ટીઓ દર્શક બૂચ, દિનેશ મહેતા, અશોક માંડલિયા,  અબ્દુલગફુર શેખ વગેરે મહેમાનોનું સ્વાગત કરાયું હતું. સમારંભનું સંચાલન પુસ્તકાલયના ઉપપ્રમુખ સંજય ઠાકરે કર્યું હતું, જ્યારે આભારવિધિ મંત્રી કરમશીભાઈ પટેલે કરી હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer