કચ્છમાં એવોર્ડી શિક્ષકોનું સંગઠન મજબૂત બનાવી સેવા આપવા નિર્ણય લેવાયો

કચ્છમાં એવોર્ડી શિક્ષકોનું સંગઠન મજબૂત બનાવી સેવા આપવા નિર્ણય લેવાયો
માંડવી, તા. 15 : ભુજની ઓફ્રેડ હાઇસ્કૂલમાં કચ્છના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી શિક્ષકોનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં કચ્છમાં એવોર્ડી શિક્ષકોનું સંગઠન મજબૂત બનાવી, શિક્ષણજગતને સેવા આપવા અને રાજ્યકક્ષાના વણઉકેલ્યા પ્રશ્નોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશનના પ્રમુખ માનસિંગભાઇ ચૌધરી અને મહામંત્રી ખુમજીભાઇ ચૌધરીના સાંનિધ્યમાં કચ્છના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા 16 શિક્ષક ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં માંડવીના સ્વ. ક્રિષ્નાબેન મિત્રી સહિત રાજ્યના સ્વ. એવોર્ડી શિક્ષકોને  બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઇ હતી. સ્વાગત પ્રવચનમાં ફેડરેશનના સંગઠનમંત્રી દિનેશભાઇ શાહે આવકારી રાજ્યના એવોર્ડી શિક્ષકોનો એસ.ટી. બસના સ્માર્ટકાર્ડનો વર્ષો જૂનો પ્રશ્ન હલ કરવા બદલ રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશનના પ્રમુખ અને મહામંત્રીને કચ્છના એવોર્ડી  શિક્ષકો વતી અભિનંદન આપી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. વરિષ્ઠ એવોર્ડી શિક્ષક રમેશભાઇ દવેએ કચ્છના એવોર્ડી શિક્ષકોનો પરિચય આપતું પુસ્તક વી.આર.ટી.આઇ.ના સહયોગથી બહાર પાડવાની જાહેરાત કરી હતી. ભુજના દિલીપભાઇ ભટ્ટને કેળવણીકાર શ્રી દવેના હસ્તે સ્માર્ટકાર્ડ એનાયત કરાયું હતું. આ પ્રસંગે ભારતીબેન ગોર (માંડવી) અને શોભનાબેન વ્યાસ (રતનાલ)એ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ફેડ.ના મહામંત્રી શ્રી ચૌધરીએ રાજ્યના એવોર્ડી શિક્ષકોની ટેલિફોન ડિરેક્ટરી બહાર પાડવાની જાહેરાત કરી હતી. પ્રમુખસ્થાનેથી ફેડરેશનના પ્રમુખ માનસિંગભાઇએ રાજ્યકક્ષાના વણઉકેલ્યા પ્રશ્નોની માહિતી આપી દેશના 18 રાજ્યોની જેમ ગુજરાતના એવોર્ડી શિક્ષકોને બે ઇજાફા અને સારી તંદુરસ્તી ધરાવતા એવોર્ડી શિક્ષકોની વયમર્યાદા 58થી વધારીને  60 વર્ષની કરવા ફેડરેશન પ્રયત્નશીલ હોવાની જાહેરાત કરી હતી. તેમણે સ્માર્ટકાર્ડનો પ્રશ્ન હલ કરવા  ફેડરેશને કરેલી કાર્યવાહીની વિગતે માહિતી આપી હતી. આ સ્નેહમિલનમાં કિશોરસિંહ કે. જાડેજા, પી. કે. ચૂડાસમા, જોહરાબાનુ ઢોલિયા, ઉમેશભાઇ ચૌહાણ, મંજુલાબેન ઉપાધ્યાય, શોભનાબેન વ્યાસ, પ્રેરણાબેન મહેતા, નીતિનભાઇ જોબનપુત્રા, સૂર્યકાંત હરસોરા, ધીરજભાઇ પંડયા, કીર્તિભાઇ ઠક્કર, દિલીપભાઇ ભટ્ટ અને શૈલેશભાઇ સિંધલ વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ડો. બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મજયંતીએ ભાવાંજલિ અપાઇ હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer