કચ્છના રક્તરંજિત ગોઝારા અકસ્માતોની તવારીખ

ભુજ, તા. 15 : કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતોનો આંક દિનબદિન વધી રહ્યો છે. તેમાં મહામૂલી જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે. આજે શિકરા પાસે થયેલા મોટા અકસ્માતનાં પગલે જિલ્લામાં ગોઝારા અકસ્માતોની યાદ તાજી થઇ?હતી. શિકરાની દુર્ઘટનામાં 10 લોકોનાં જીવનદીપ બુઝાયા છે. કચ્છના માર્ગો લોહીભીના થયાની ગોઝારી તવારીખ પર દૃષ્ટિપાત કરીએ તો 2018ના વર્ષનો સૌપ્રથમ બનાવમાં મકરસંક્રાંતિના લોરિયા પાસેના અકસ્માતમાં કારથી કચ્છ ફરવા આવેલા સૌરાષ્ટ્રના નવ નવલોહિયા કાળનો કોળિયો બની ગયા હતા, જ્યારે 2016ની સાલમાં 26 નવે.ના માતાના મઢના ખંભાત અને મોરબી પંથકના આઠ યાત્રાળુઓને કાળ ભેટી ગયો હતો. આ   અકસ્માતમાં માળિયા-મિયાંણા પાસે સૂરજબારી પુલ નજીકનો હાઇવે વહેલી સવારે રક્તરંજિત બન્યો હતો. જ્યારે 2016ની 16મી ઓગસ્ટના રહોડી પાસે કાર પલટી જતાં ચાર મોત થયાં હતાં. આ ગોઝારા બનાવમાં રાધનપુરથી કોઇ કામ અર્થે કારમાં આવેલા ચાર યુવાનોના જીવનદીપ બુઝાયા હતા, ઉપરાંત 2016માં જ 29/4ના બાદરગઢ પાસેના જલારામ મંદિર નજીક તૂફાન જીપ અને ડમ્પર સામસામે અથડાતાં તૂફાનમાં સવાર ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. આ જ વર્ષમાં 18મી એપ્રિલે રવાપર નજીક કાર ઊથલતાં ત્રણ માસૂમ સહિત ચારનાં મોત થયાં હતાં. આ ઉપરાંત 2015ના વર્ષમાં 23/11ના પાલારા નજીક ઉતારુ જીપ સાથે સામેથી આવતી પ્રવાસની ખાનગી લક્ઝરી બસ અથડાતાં જીપમાં બેઠેલી ત્રણ મહિલા સહિત ચાર જણ મોતના મુખમાં ધકેલાયા હતા, જ્યારે 2015ની 8મી ડિસે.ના સામખિયાળી પાસે કાર કન્ટેનરમાં ઘૂસી જતાં અંજારનો વકીલ પરિવાર પિંખાયો હતો, જેમાં પાંચ લોકોના જીવ ગયા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer