ભારાસર સરપંચના ખૂનકેસમાં 30 દિવસમાં આરોપીઓ પકડવા માગણી

ભારાસર (તા. ભુજ), તા. 15 : આ ગામના માજી સરપંચ માયાભાઇ સવાભાઇ મહેશ્વરીની ધોળા દિવસે હત્યા થવાના ત્રણ વર્ષ જૂના અને વણઉકેલ્યા કિસ્સા વિશે મરનારના ભાઇ એવા ગામના વર્તમાન સરપંચ દેવાભાઇ સવાભાઇએ દેશના વડાપ્રધાન સહિતનાઓ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. તેમણે આગામી 30 દિવસમાં યોગ્ય તપાસ માટેની માગણી કરવા સાથે યોગ્ય ન થાય તો ગાંધીચીંધ્યા માર્ગે જવાની તૈયારી બતાવી હતી.  વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગૃહમંત્રી તથા અનુસૂચિત જાતિ આયોગ ઉપરાંત કલેક્ટર, એસ.પી. અને પી.આઇ.ને સરપંચ દેવાભાઇ મહેશ્વરી દ્વારા આ મામલે લેખિતમાં વાકેફ કરાયા છે. ફેબ્રુઆરી-2015માં હત્યાનો આ કિસ્સો બન્યા બાદ પોલીસ દ્વારા હજુ સુધી કોઇ જ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી અને કોલ ડિટેઇલ સહિતની જરૂરી વિગતો હોવા છતાં પોલીસ શા માટે આવું કરી રહી છે તે સમજાતું નથી તેવું તેમણે જણાવ્યું હતું.  દરમ્યાન, આ મામલે અગાઉ પોતે ઉચ્ચ સ્થાને રજૂઆતો કરી હોવા છતાંયે કોઇ પગલાં લેવાયાં નથી તેવું જણાવી આગામી 30 દિવસમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચે તેવી તેમણે માગણી કરી હતી, અન્યથા પોતે ગાંધીચીંધ્યો માર્ગ અપનાવશે તેવું તેમણે ઉમેર્યું હતું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer