આખરી દિવસે ભારતે એક ગોલ્ડ સહિત 7 ચંદ્રક જીત્યા

ગોલ્ડ કોસ્ટ, તા. 15 : 21મી કોમનવેલ્થ ગેમ્સના આખરી દિવસે ભારતીય ખેલાડીઓએ તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને કુલ્લ સાત ચંદ્રક જીત્યા હતા. અનુભવી શટલર સાઇના નેહવાલે દેશ માટે 26મો સુવર્ણચંદ્રક જીત્યો હતો. આ ઉપરાંત આજે છેલ્લા દિવસે ભારતની ઝોળીમાં વધુ ચાર રજત અને બે કાંસ્ય ચંદ્રક આવ્યા હતા. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થના અંતિમ દિવસે બેડમિન્ટનમાં ભારતે એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ કબ્જે કર્યા હતા. ભારતે આ વખતે કુલ્લ 66 મેડલ જીત્યા છે. સાઇનાને ગોલ્ડ અને સિંધુને સિલ્વર : મહિલા બેડમિન્ટનની ફાઇનલમાં બે ભારતીય ખેલાડી સાઇના નેહવાલ અને પીવી સિંધુ વચ્ચે રમાઈ હતી. જેમાં વિશ્વ નંબર 12 સાઇનાએ હમવતન અને વિશ્વ નંબર ત્રણ પીવી સિંધુને પ6 મિનિટમાં 21-18 અને 23-21થી હાર આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી સાઇના ભારતની પહેલી બેડમિન્ટન ખેલાડી બની છે. 2010ના દિલ્હી કોમનવેલ્થમાં સાઇનાએ પહેલો ગોલ્ડ જીત્યો હતો. શ્રીકાંતને સિલ્વરથી સંતોષ કરવો પડયો : તાજેતરમાં વર્લ્ડ નંબર વન બનેલા ભારતના સ્ટાર શટલર કિદાંબી શ્રીકાંતને પુરુષ વિભાગના સિંગલ્સની ફાઇનલમાં મલેશિયાના દિગ્ગજ અને પૂર્વ નંબર વન ખેલાડી લી ચોંગ વેઇએ 19-21, 21-14 અને 21-14થી હાર આપી હતી.  લી ચોંગે આ સાથે કોમનવેલ્થમાં રેકોર્ડ પાંચમીવાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષ ડબલ્સમાં પણ  સિલ્વર : ભારતીય જોડી સાત્ત્વિક સાંઇરાજ અને ચિરાગ શેટ્ટીનો મેન્સ ડબલ્સની ફાઇનલમાં ઇંગ્લેન્ડની જોડી માર્ક્સ એલિસ અને ક્રિસ લેંગરિજ સામે 13-21 અને 16-21થી પરાજય થયો હતો. આથી ભારતીય જોડીને રજતચંદ્રક મળ્યો હતો. સ્ક્વોશમાં સિલ્વર : દીપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાની ભારતીય જોડીને મહિલા ડબલ્સની ફાઇનલમાં ઇંગ્લેન્ડની જોડી સામે હાર મળી હતી. આથી દીપિકા-જોશનાને રજતચંદ્રક મળ્યો હતો. મણિકા બત્રાને વધુ એક  ચંદ્રક : ટેબલ ટેનિસના મિક્સ ડબલ્સમાં મણિકા બત્રા અને સાથિયાન ગણાશેખરની જોડીએ કાંસ્યચંદ્રક માટેની મેચમાં હમવતન જોડી શરથ કમલ અને મૌમા દાસને હાર આપી હતી, જ્યારે મેન્સ સિંગલ્સમાં શરથ કમલને કાંસ્યચંદ્રક મળ્યો હતો. શરથ કમલ અગાઉ 2006ના કોમનવેલ્થમાં ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો હતો. આમ, 21મા કોમનવેલ્થના આખરી દિવસે ભારતે એક ગોલ્ડ સહિત કુલ્લ 7 મેડલ કબ્જે કર્યા હતા. આથી ભારતના કુલ્લ 66 મેડલ થયા હતા.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer