ડો. પ્રવીણ તોગડિયાના નેતૃત્વ મુદ્દે કચ્છના સંગઠનમાં તડાં ?

ભુજ, તા. 15 : વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષપદેથી હિન્દુ  હૃદયસમ્રાટની ઉપમા મેળવનારા ડો. પ્રવીણ તોગડિયા પરિષદના ઇતિહાસની સર્વપ્રથમ યોજાયેલી ચૂંટણીમાં પછડાયા તેના પડઘા કચ્છના સંગઠનમાં પણ પડે તેવા સંકેત મળી રહ્યા છે. જો કે, હજુ સુધી કચ્છ વિહિપ ડો. તોગડિયાની પડખે જ છે. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના પ2 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં પરાસ્ત થયેલા ડો. તોગડિયા હવે 17મી એપ્રિલે અમદાવાદમાં ઉપવાસ પર બેસી રહ્યા છે અને કચ્છના સંગઠને એ આંદોલનમાં જોડાવાની તૈયારી કરી લીધી છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષપદે વિષ્ણુસદાશિવ કોકજે જૂથનો વિજય થયો તેનો આનંદ કચ્છના સંગઠનમાં ક્યાંયે જાહેર થયો નથી. જો કે, સંગઠનના કચ્છના નેતાઓ શશિકાંત પટેલ, બળવંતસિંહ વાઘેલા, મોહન ધારશી ઠક્કર, પ્રવીણ પૂજારા પૈકી અમુક જણ ડો. તોગડિયાની સાથે ઉપવાસમાં જોડાશે અને કચ્છના જ વિવિધ મંડળોમાંથી પણ કાર્યકરોને લઇ જશે, જ્યારે અમુક જણ નથી ઇચ્છતા કે આ મુદ્દે વિવાદ વધે. તેઓ જે પ્રમુખ હોય તેની સાથે બેસવાના મૂડમાં છે. જો કે કચ્છમાં એક ધર્મસભાના આયોજનની પણ તૈયારીઓ ડો. પ્રવીણ તોગડિયાના સમર્થનમાં ચાલી રહી છે. આ સંકેતો પરથી ચિત્ર સ્પષ્ટ એવું થઇ રહ્યું છે કે, ડો. તોગડિયાના નેતૃત્વ મુદ્દે કચ્છ વીએચપી પણ બે ભાગમાં વહેંચાય. એક સમયે વીએચપી, કિસાન સંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય જનતા પાર્ટી, બજરંગ દળ અને હિન્દુવાહિની, દુર્ગાવાહિની જેવી સંસ્થાઓ મળીને સંઘ પરિવાર શબ્દ પ્રયોજાતો હતો, હવે એ અકબંધ નથી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer