ખરાબ રસ્તા થકી રોંગ સાઇડમાં ટ્રેક્ટરની યાત્રા બની મોતની સફર

ભચાઉ, તા. 15 : છેલ્લાં સાતથી આઠ વર્ષથી ભુજ-ભચાઉ વાયા દુધઇ માર્ગનું કામ ચાલી રહ્યું છે. ધોરીમાર્ગના આ અધૂરા કામે પણ શિકરાના પટેલ પરિવારના સભ્યોને નડેલા ગમખ્વાર અને કાળમુખા અકસ્માત માટે નિમિત્ત બનવાનો ભાગ ભજવ્યો હતો. ખરાબ રસ્તાના કારણે ટ્રોલી સાથેનું ટ્રેક્ટર રોંગ સાઇડમાંથી હંકારાઇ રહ્યંy હતું ત્યારે સામેથી આવી રહેલી ખાનગી લક્ઝરી બસની ટક્કર યમદૂત બનીને તેને વાગતાં ક્યારેય ન ભૂલી શકાય તેવો આ ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો.  આજે રવિવારે સવારે પોણા દશેક વાગ્યાના સુમારે સર્જાયેલી જીવલેણ અકસ્માતની આ કરુણાંતિકાના પગલે બહાર આવેલી વિગતો અનુસાર, જિલ્લા મથક ભુજને વાગડ સાથે જોડતા ધોરીમાર્ગનું હાલમાં ભચાઉની ભાગોળે આવેલા શિકરા ગામ પાસે કામ ચાલી રહ્યંy છે. આના કારણે ધોરીમાર્ગનો કેટલોક પટ્ટો ખરાબ અને વાહન ચલાવવામાં મુશ્કેલી પડે તેવો છે, તો બાકીનો ભાગ વાહનો આસાનીથી પસાર થઇ શકે  તેવો છે.  લગ્નનું મામેરું લઇને નીકળેલા જાનૈયાઓ સાથે જતી ટ્રેક્ટર ટ્રોલી આ સારા માર્ગેથી ચલાવવા માટે વાહન રોંગ સાઇડમાંથી ચલાવવાનું શરૂ કરાયું હતું. આ પછી સામેથી આવી રહેલી લક્ઝરી બસ તેની સાથે અથડાતાં આ મોટો જીવલેણ અકસ્માત થયો હતો.  બનાવના પગલે ઉપસ્થિત લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ સ્થળે લાંબા સમયથી રસ્તાનું કામ ચાલી રહ્યું છે. માર્ગના ખરાબ ભાગ થકી ટ્રેક્ટર ટ્રોલીના ચાલકને રોંગ સાઇડમાંથી સફર કરવી પડી હતી, જે અંતે મોતની યાત્રા બની રહી હતી. આ અધૂરા કામને હવે સત્વરે પૂર્ણ કરીને આવી વધુ ઘટનાઓ બનતી અટકાવાય તેવી લાગણી પણ વ્યક્ત કરાઇ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer