ભૂકંપગ્રસ્તોને નવી શરતની શૂળની પીડા અસહ્ય

કૌશલ પાંધી દ્વારા  ભુજ, તા. 15 : વર્ષોથી શહેરની ચારેય રિલોકેશન સાઇટના અંદાજે 2600 અને  અંજાર, ભચાઉ, રાપર મળી કુલ્લ 5000 રહેવાસીઓને સતાવતો નવી શરતના પ્લોટના અધધધ કહી શકાય તેવી 15થી 25 લાખ સુધી ભરવાની થતી પ્રીમિયમની રકમનો પ્રશ્ન જો સરકાર ધારે તો ચપટી વગાડતાં જ હલ થઇ શકે તેમ છે. ખાસ કરીને જ્યારે સરકારના પ્રતિનિધિઓ પણ આ બાબતે સહમત છે અને ક્યાંક કાચું કપાયાનો મત પણ આવી રહ્યો છે ત્યારે કેબિનેટના એક નિર્ણયથી અનેક લોકોની વર્ષોની સમસ્યાનો ઉકેલ આવી શકે છે.   જાણકારોના જણાવ્યા અનુસાર, ભૂકંપ બાદ અસ્તિત્વમાં આવેલી ભુજની મુંદરા, આર.ટી.ઓ., રાવલવાડી અને જીઆઇડીસી રિલોકેશન સાઇટના લોકો આજે પણ નવી-જૂની શરતમાં ગૂંચવાયેલા છે. ચારેય રિલો. સાઇટના પ્રતિનિધિ મંડળ દ્વારા સરકારમાં વખતોવખત આધાર-પુરાવા સાથે સમાનનીતિની ચૂક થઇ હોવાનું દર્શાવી નવી શરતના પ્લોટની પ્રીમિયમની રકમની ફેરવિચારણા અને અર્થઘટન ભૂકંપગ્રસ્તોને ધ્યાને લઇ કરવા તેમજ પ્લોટ ફ્રી હોલ્ડ કરવા રજૂઆત કરી હતી પણ હજુ પ્રશ્ન નથી ઉકેલાયો. કુદરતી આપદા બાદ સરકારે ભૂકંપગ્રસ્તોના પુન:વસન માટે પ્લોટ ફાળવવાની ઉમદા જાહેરાત કરી જેમાં નવી કે જૂની શરતનો કોઇ જ ઉલ્લેખ નહોતો. ત્યારબાદ બાપ-દાદાની જમીન સોંપનારા ઉપરાંત ફલેટધારકો તથા ભાડૂઆતો પાસેથી સરકારે એક સરખી કિંમત વસૂલી અને રિલોકેશનમાં પ્લોટ ફાળવ્યા પરંતુ સમાનનીતિનો અહીં છેદ ઊડી ગયો અને ભૂકંપનો જ માર ખમનારા ફલેટધારકો અને ભાડૂઆતોને નવી શરતનો શૂળ વાગ્યો જે આજે પણ પીડા આપી રહ્યો હોવાનું જાગૃતેએ જણાવ્યું હતું. ચારેય રિલોકેશન સાઇટ વિકસાવવાના નિર્ણય બાદ 2002માં સરકારે ડ્રો પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરી જેમાં એક શરત રખાઇ કે પાંચ વર્ષ સુધી મંજૂર થયેલો પ્લોટ અને બાંધકામ તબદીલ નહીં કરી શકાય જેની મુદ્દત 2007માં જ પૂર્ણ થઇ ગઇ હોવા છતાં ભાડા દ્વારા પ્રીમિયમની કોઇ જ કામગીરી ન કરાઇ, જેને ભૂકંપગ્રસ્ત લોકો અયોગ્ય લેખાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંદરા રિલો. સાઇટ ખાતે સરકારી  કર્મચારીઓની વસાહત માટે 2008માં જમીનો ફાળવાઇ અને તેની બજાર કિંમતે આકારણી કરાતાં એક ચો.મી.ના રૂા. 650નો ભાવ નક્કી થયો. જેથી ભૂકંપગ્રસ્તોને ફાળવાયેલા પ્લોટની કિંમત એ મુજબ જ આકારાય પરંતુ નગર નિયોજકની કચેરી દ્વારા કરાયેલા મુલ્યાંકનમાં અનેક વિસંગતતાઓ ઊડીને આંખે વળગી હતી. આકારણીના ભાવ રાજ્યની ગ્રીન સિટી ગાંધીનગર જેવા કરાતાં રૂા. 21 હજારથી 49 હજાર એક ચો.મી.ના નક્કી કરાતાં અંદાજે પ્રીમિયમની 50 ટકા રકમ 15થી કરી 25 લાખ થાય છે જે ભૂકંપગ્રસ્તોની મજાક સમાન હોવાનું જાગૃતોએ જણાવ્યું હતું. જો કે, આકારણી પણ આર.ટી.ઓ. અને રાવલવાડી રિલો. સાઇટની કરાઇ અને બે હજુ બાકી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ભૂકંપગ્રસ્તોને પ્લોટ રહેણાક હેતુ માટે ફાળવાયા હોવા છતાં નગર નિયોજક દ્વારા વાણિજ્ય અંગેની આકારણી કરાઇ જે નવાઇ પમાડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આર.ટી.ઓ. રિલો. સાઇટ ખાતે નગર નિયોજકે 36 મીટરના રિંગરોડ પર આકારણી કરી પણ ભાડાએ રિંગરોડ પર કોઇ પ્લોટ ફાળવ્યા જ નથી છતાં તેનું સર્વે કરાયું અને 7.પ મીટરના માર્ગો પરના 80 પ્લોટોની આકારણી ભુલાઇ. યુ.એલ.સી. હેઠળ રાજ્યની પાંચ મહાનગરપાલિકાઓમાં દબાણકર્તાઓને પણ જંત્રી મુજબ ભાવના 10થી 100 ટકા વસૂલી કાયમી માલિક બનાવી  મુખ્યમંત્રીએ ઉદાર અભિગમ અપનાવ્યો હતો. સરકારી કર્મીઓને પણ ફાળવેલા પ્લોટ પર પ્રીમિયમ આવતો જ હતો છતાં વેચાણ માટે વિના પ્રીમિયમે વેચવા છૂટ આપી જે પણ આવકારદાયક છે ત્યારે ભૂકંપગ્રસ્તોની પીડા પણ સરકાર સમજે તે જરૂરી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, અગાઉ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો દ્વારા આ મુદ્દો ઉઠાવાયો હતો. ભાડાએ પણ આટલું પ્રીમિયમ ભરવા લોકો અસમર્થ હોવાથી જંત્રી મુજબ પ્રીમિયમ વસૂલવા મુખ્યમંત્રીને ભલામણ કરી હતી. 2015માં તત્કાલીન કલેકટરે પણ લોકોની તરફેણ કરી હતી. આ ઉપરાંત સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિતે પણ આ અંગે સરકારમાં રજૂઆતો કરી હતી. ઉચ્ચકક્ષાની મળેલી બેઠકમાં પણ આ પ્રશ્ન ચર્ચાઇ ચૂકયો છે અને હવે સરકારે માત્ર નિર્ણય જ લેવાનો બાકી છે. સરકાર દ્વારા થયેલા લોકોના પુન:વસનને નિહાળવા 15થી 16 દેશના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી છે ત્યારે આ જ ભૂંકપગ્રસ્તોના પ્લોટોની જંત્રી મુજબ એક વખત પ્રીમિયમ લઇ ફ્રી હોલ્ડ કરી આપવા વરસો-વરસ રજૂઆત કરી છે અને હવે આ પ્રશ્ન ઉકેલાય તેવી માગણી કરી રહ્યા છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer