વિક્ષોભની અસર ઓસરતાં જ વૈશાખ પૂર્વે કચ્છ તપવા માંડયું

ભુજ, તા. 15 : વીતેલા દિવસો દરમ્યાન ચોમાસુ માહોલ બાદ હવે આવતા મંગળવારથી બેસતા વસમા વૈશાખની પૂર્વ તૈયારી કરતો હોય તેમ પવન તપવા માંડયો છે. કચ્છ ફરી ઉનાળુ ઉકળાટથી અકળાવા માંડયું છે. માવઠું વરસાવનાર પશ્ચિમી વિક્ષોભની અસર ઓસરતાં જનજીવન સૂર્યના સામ્રાજ્યમાં શેકાવા માંડયું છે. જો કે, હજુ મોટાભાગના વિસ્તારોમાં ઉષ્ણતામાપક પારો 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછી સપાટીએ રહેતાં તાપની તીવ્રતા મધ્યમ પ્રમાણમાં વર્તાય છે. વરસાદી વાતાવરણ પછી ઉનાળાની તરફેણરૂપે ઉઘાડ થતાં પારો ધીમી છતાં મક્કમ ગતિ સાથે ઊંચા મથાળા તરફ ગતિ કરી રહ્યો છે. ભુજમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દક્ષિણ-પશ્ચિમની પરંપરાગત ઉનાળુ દિશાથી ફંટાઇ જઇને ઉત્તર-પશ્ચિમની દિશાએથી કલાકના 7 કિ.મી.ની ઝડપવાળા પવનો તાપથી બચાવવામાં બેઅસર રહ્યા હતા. માંડવીમાં  37 અને મુંદરામાં 38 ડિગ્રી સેલ્સિયસ સાથે કાંઠાળ પટમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. બીજી તરફ, ખાવડામાં 40 અને રાપરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાતાં વાગડ પંથક અને રણકાંધીનું ગ્રામીણ જનજીવન દિવસભર દાઝ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer