કચરો જાહેરમાં સળગાવીને ભુજમાં છડેચોક નિયમભંગ

ભુજ, તા. 15 : તાજેતરમાં ભુજમાં અને આસપાસમાં ઝાડી-ઝાંખરાં સળગવાથી આગ લાગવાના નાના-મોટા બનાવો બન્યાના હેવાલ છે ત્યારે ભુજ નગરપાલિકાના કામદારો છેલ્લા ઘણા સમયથી વોકવેની ચારેય બાજુ બાવળ અને અન્ય નકામાં ઝાડો કાપી તો નખાય જ છે, પરંતુ ખરેલાં પાંદડાંના ઢગલા કરી તે ઉપાડવામાં આવતા નથી. તેનો નિકાલ કરવા માટે વોકવે પર જ અથવા બગીચામાં અલગ-અલગ સ્થળે સળગાવવામાં આવે છે, જે ગંભીર ગુનાહિત બેદરકારી-    ભર્યું છે. જાહેરમાં કચરામાં આવી રીતે આગ લગાડવાથી લીલાં વૃક્ષો કે જે આપણા માટે વાવીને ઊછેરવામાં આવ્યાં છે તે પણ?સળગી જતાં હોય છે. જો વોકવે પર આંખ ખૂલી રાખીને નીકળો તો આવી અને આ પ્રકારની અનેક બેદરકારી દેખાયા વગર નહીં રહે, માટે તાત્કાલિક ધોરણે આગ લગાડીને કચરા-સૂકી ઝાડી, પાંદડાં વિ.ના નિકાલ કરવાની પ્રવૃત્તિ બંધ કરાય  તેવી જાગૃત નાગરિકોની માંગ છે. આ ઉપરાંત શહેરમાં ઠેર-ઠેર સફાઇ કામદારો કચરો એકત્રિત કરી જાહેરમાં નિયમિતપણે સળગાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કચરો સળગાવનારને રૂા. 25,000નો દંડ કરવાની કાયદાકીય જોગવાઇ કરાયેલી છે, પણ આ કાયદાને ઘોળીને પી જવાય છે. જો આવી રીતે જ જાહેર સ્થળે કચરો સળગાવી નખાતો હોય તો ઉપાડવાના ખર્ચનાં બિલ શા માટે મંજૂર કરાય છે? મંજૂર તો ઠીક છે, ચૂકવણું પણ કરી નખાય છે તેવું જાગૃત શહેરીજનોએ જણાવી ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી હતી. આ બાબતે સુધરાઇના સત્તાધીશો જાગે અને જાહેરમાં કચરો સળગાવવાનું કામ બંધ કરાવે તેવી લોકમાંગ ઊઠી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer