ખેડૂતો દ્વારા ઉનાળુ વાવેતરમાં ઘાસચારાને પ્રાધાન્ય

ભુજ, તા. 15 : ઓછા વરસાદે અવારનવાર સર્જાતી દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ઘાસની  તંગી નિવારવા ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા ઉનાળુ વાવેતરમાં ઘાસચારાને પ્રાધાન્ય આપ્યું હોય તેમ અંદાજે 13 હજાર જેટલા એકરમાં વાવેતર કરાયું છે. જેના માટે સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે ઘાસચારાની નિ:શુલ્ક કિટ પણ અપાઈ છે. સરહદી કચ્છ જિલ્લામાં ઓછા વરસાદના કારણે અવાર-નવાર પશુઓ માટે ઘાસચારાની તંગી વર્તાતી હોય છે તો કયારેક બહારના જિલ્લાઓમાંથી પણ ઘાસ મંગાવવું પડે છે?ત્યારે ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા ઘાસચારાને પ્રાધાન્ય અપાયું હોય તેમ વિવિધ તાલુકામાં 4540 મકાઈ, 3730 જુવાર અને 4520 એકરમાં રજકો જેવા ઘાસચારાનું વાવેતર કરાયું છે. આ ઘાસચારાના વાવેતરને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ખેડૂતોને રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના હેઠળ જિલ્લાના દસેદસ તાલુકામાં મકાઈની 1007 અને જુવારની 1007 બિયારણ અને ખાતર સાથેની કિટનું વિતરણ પણ કરાઈ રહ્યું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી વાય. આઈ.શિહોરાએ આપેલી વિગતો મુજબ જાણવા મળ્યું છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ખેડૂતોએ જિલ્લામાં 3679 હેકટરમાં મગફળીનું વાવેતર કર્યુઁ છે. જેમાં સૌથી વધુ નખત્રાણા તાલુકામાં 1595 હેકટરમાં આ વાવેતર કરાયું છે., વર્ષ 2016-17માં વધુ ગરમીના કારણે મગફળીનું ઉત્પાદન ઓછું થયું હતું તેવું મદદનીશ જિલ્લા ખેતીવાડી અધિકારી ઉપેન્દ્ર જોશીએ વિગતો આપતાં જણાવ્યું હતું. અન્ય પાકોમાં બાજરી 1713, મગ 461, તલ 434, ડુંગળી 66, અડદ 50, સક્કરટેટ્ટી 570, ગુવાર 1031, તડબૂચનું 259 હેકટરમાં જયારે વિવિધ શાકભાજીનું 3113, સૂર્યમુખી 567નું વાવેતર કરાયું છે. જયારે બાગાયત પાક દાડમનું પણ 1102 હેકટરમાં વાવેતર ખેડૂતોએ કર્યું હતું. આમ જિલ્લામાં કુલ્લ 25839 હેકટર ઉનાળુ વાવેતરમાંથી અડધો-અડધ 12790 હેકટર માત્ર ઘાસચારાનું વાવેતર થયું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer