ડ્રીપ પદ્ધતિ પર જી.એસ.ટી.થી ખેડૂતોને હાનિ

નલિયા, તા. 15 : ઓછા પાણીએ પિયત ખેતી માટેની ટપક પદ્ધતિ પર 12 ટકા જેટલો જી.એસ.ટી. લાદી દેવામાં આવતાં ખાસ કરીને કચ્છ માટે ઉપયોગી એવી આ પદ્ધતિ બેસાડનાર ખેડૂતોને આર્થિક હાનિ પહોંચશે. માહિતગાર વર્તુળોના જણાવ્યાનુસાર ટપક પદ્ધતિ પર ગુજરાત ગ્રીન રેવોલેશન કંપની વડોદરા દ્વારા પદ્ધતિ બેસાડનાર ખેડૂતોને 70થી 8પ ટકા સબસિડી આપવામાં આવતી હતી. આ પદ્ધતિ પર અગાઉ 18 ટકા જી.એસ.ટી. કર લાદી દેવાતાં ખેડૂતો દ્વારા તેનો વિરોધ થતાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જી.એસ.ટી. રાજ્ય સરકાર ભરશે તેવી જાહેરાત થતાં વિરોધ શમી ગયો હતો. જો કે જ્યારથી ટપક પદ્ધતિ પર જી.એસ.ટી. લાદી દેવાયો છે ત્યારથી રાજ્ય સરકારની વડોદરા સ્થિત કંપનીની લગભગ છ મહિનાથી બંધ જેવી હાલત છે . ખરીફ પાકની  વાવેતરની સિઝન 1લી મેથી શરૂ થતી હોઈ ઘણા બધા ખેડૂતો ટપક પદ્ધતિ બેસાડવા માગે છે પણ વડોદરા સ્થિત કંપની છેલ્લા છ માસથી બંધ હોવાના કારણે ટપક પદ્ધતિ બેસાડનારા ખેડૂતોને ખરીફ મોસમમાં તેનો લાભ નહીં મળે કેમ કે ટપક પદ્ધતિ બેસાડવા માટે જરૂરી આધારો ભેગા કરી સક્ષમ કચેરીને પહોંચાડવા લગભગ 2 મહિના જેટલો સમય લાગી જાય છે. આ સમય દરમ્યાન ખરીફ પાકના વાવેતરની સિઝન તો શરૂ થઈ જાય છે તેવું કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું. વર્ષ 2017-18 દરમ્યાન ડ્રીપ પદ્ધતિ પર સબસિડીનો માપદંડ સામાન્ય ખેડૂતોને 70 ટકા જ્યારે અનુસૂચિત જાતિ, જનજાતિને 8પ ટકા જેટલી સબસિડીનું ધોરણ મુકરર કરાયું હતું. વર્ષ 2018-19 દરમ્યાન હજી ડ્રીપ પદ્ધતિ પર કેટલી સબસિડી અપાશે તે નક્કી કરાયું નથી. તેવું સૂત્રોએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લા ડ્રીપ ડીલર એસોસિએશન પ્રમુખ કુમાર સત્યમૂર્તિ, મહામંત્રી હરેશભાઈ જરૂએ આ પદ્ધતિ પર જી.એસ.ટી. કર નાબૂદ થવો જોઈએ તેવી માગણી કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer