રાપરની શાળાઓની ત્રણ મહિનાની સફાઈની ગ્રાન્ટ ગરક થઈ ગઈ !

રાપર, તા. 15 : એક બાજુ સ્વચ્છ ભારત મિશન ચાલે છે. વડાપ્રધાન સ્વચ્છતા પર ખાસ ભાર મૂકે છે અને ઉચ્ચ સ્તરેથી એના માટે ગ્રાન્ટની પણ જોગવાઈ કરવામાં આવે છે. આમ છતાં રાપર તાલુકા શાળા હસ્તકની શાળાઓમાં સફાઈની આ વર્ષે ત્રણ માસની  ગ્રાન્ટ  ગરક  થઈ ગઈ છે. પ્રતિમાસ 1800 લેખે ગ્રાન્ટ આપવામાં આવે છે, તેમાં ત્રણ માસના 5400 રૂપિયા તાલુકા શાળા હસ્તકની શાળાઓને આપવામાં આવ્યા નથી. ક્યાં કોણે કાચું કાપ્યું તે તપાસનો વિષય છે. કારણ કે શાળાઓમાં સફાઈ માટે ખાસ માણસ રાખવાનો હોય છે, તેને મહેનતાણું ચૂકવવાનું હોય છે. તો આ ત્રણ માસનો તેને આપવાનો પગાર હવે ક્યાંથી કાઢવો તે પ્રશ્ન ઊભો થયો છે. આ બાબતે પૂરતી તપાસ કરી યોગ્ય થાય તેવી માંગ ઊઠી છે. અને જેની પણ આ બાબતે બેદરકારી હોય તેની તટસ્થ તપાસ કરવા માંગ ઊઠી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer