ભુજમાં પાણી પૂરું પાડવામાં સુધરાઇ નિષ્ફળ

ભુજ, તા. 15 : જિલ્લાના મુખ્ય મથક એવા ભુજમાં વિતેલા ઘણા સમયથી સુધરાઇ દ્વારા વિતરીત કરાતાં પાણીની પરિસ્થિતિ તદન બેકાબૂ બની ગઇ છે અને છેલ્લા એકાદ માસથી તો સ્થિતિ એટલી વણસી છે કે અર્ધાથી પોણા ભાગની વસતીને પાણી વેચાતું લેવું પડે છે અને સૌથી દુ:ખની વાત એ છે કે સુધરાઇ તંત્ર અને શાસકોનાં પેટનું પાણી પણ હાલતું નથી. ભુજની વધતી જતી વસ્તીને કેન્દ્રમાં રાખીને નર્મદાનાં પીવાના પાણી અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પૂરા પડાતા પાણીનો જથ્થો કાગળ પર વધારાયો છે પણ વાસ્તવમાં એ પાણી નળ કે ટેન્કર મારફતે કયાં પહોંચે છે તેનો હિસાબ કોઇ પાસે નથી. નર્મદાનું પાણી લાવતી ખુલ્લી નહેરમાંથી પાણી ચોરાય છે પણ પાઇપ લાઇન વાટે બંધ રીતે આવતું પાણી પણ ચોક્કસપણે કયાંક પગ કરતું હોવાની શંકા વ્યકત થઇ  રહી છે. શહેરના ભુજિયા ડુંગર વિસ્તારની આસપાસ આર.ટી.ઓ. રિલો. સાઇટ, સોમૈયાનગર, શ્રીજીનગર, સોનાલી પાર્ક સહિતનાં વિસ્તારમાં તો સ્થિતિ કફોડી છે. સવારે પાંચ વાગ્યે પાણી અપાય છે પણ એ માત્ર કહેવા ખાતર આમ તો શરૂઆત 4 વાગ્યાથી થાય છે કલાકે કલાકે વિસ્તારો બદલતા જાય, નાગરિકો પરોઢે સમ્પ પર ફોન કરે ત્યારે વાલ્વમેન મીઠા મીઠા  જવાબ આપે પણ દશથી 15 મિનિટમાં જ પાણી બંધ થાય અને ફરી સાતેક વાગ્યે પાંચથી દશ મિનિટ અત્યંત ધીમા દબાણે પાણી આવે જે એકાદ બે બાલ્દી માંડ ભરે. આ જ સ્થિતિ શહેરની અન્ય રિલો. સાઇટોની છે વળી કોટ અંદરનાં વિસ્તારની હાલત તો તેથી પણ વધુ ગંભીર છે. નગરસેવકો પણ પાણીની ફરિયાદ એક કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાખતા હોય તેવી હાલત છે. ટેન્કર નોંધાવનારાઓને પણ રીતસર નર્કની યાતના જેવો અનુભવ થાય છે. સુધરાઇ સ્ટાફ પણ હવે આ મુદે્ ગમે ત્યારે અને ગમે તેને ગમે તેવી ભાષામાં જવાબો આપી જાન છોડાવે છે. સિનિયર સિટીઝન અને જાણીતા એડવોકેટ સુભાષભાઇ વૈદ્યનાં જણાવ્યાનુસાર ગાયત્રી મંદિર સંકુલમાં રાત્રિનાં 9-30 વાગ્યે પાણી વિતરણ થયું આ સમય અનેક પરિવારો વ્યસ્ત હતા તેથી ભરાયું નહીં, તેમના જણાવ્યા અનુસાર સુધરાઇએ પાણી વિતરણ સમયપત્રક જાહેર કરવું જોઇએ જેથી કોઇ વંચિત ન રહે તેઓ ગાયત્રી મંદિર સંકુલમાં સવારે પાણી ઇચ્છે છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer