મા અને મા વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારાતાં સિનિયર સિટીજનોમાં ખુશી

માંડવી, તા. 15 : સરકારે મા અને મા વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારતાં હવે તા. 1-4-18થી અમલમાં આવે તે રીતે વાર્ષિક છ લાખ સુધીની આવક મેળવનાર સિનિયર સિટીઝનને પણ આ યોજનાનો લાભ આપવા જાહેરાત કરી હતી. માંડવીના દિનેશભાઇ શાહે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ સંદર્ભે  જણાવ્યું હતું કે, તા. 1/4/થી અમલમાં આવે તે રીતે અઢી લાખ સુધીની પારિવારિક વાર્ષિક આવક ધરાવતાને બદલે રૂા. ત્રણ લાખ સુધીની તેમજ રૂા. છ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતાં કુટુંબો ને સિનિયર સિટીઝનોનો સમાવેશ કરવાની સરકારે મંજૂરી આપી છે, તદુપરાંત મા અને મા વાત્સલ્ય યોજનામાં વધુ લાભોનો સમાવેશ  કરાયો છે, જેથી મા અને મા વાત્સલ્ય યોજનાના તમામ લાભાર્થીઓને યોજના હેઠળ નિયત કરેલી ગંભીર બીમારીઓ અને પ્રોસીજરો માટે વાર્ષિક રૂા. ત્રણ લાખ સુધીની સારવાર કેશલેસ મળવાપાત્ર થશે. આ યોજના હેઠળ નિયત કરેલી પ્રોસીજરો ઉપરાંત ઘૂંટણ અને થાપાની રિપ્લેસમેન્ટ સારવારની પ્રોસીજરોનો ઉમેરો કરવા માટેની બાબતને મંજૂરી અપાઇ છે. યોજના અંતર્ગત લાભાર્થીને પ્રતિ ઘૂંટણ/થાપા માટે રૂા. 40 હજાર સારવાર સહાય મળવાપાત્ર રહેશે અને વધારાનો ખર્ચ લાભાર્થીએ ભોગવવાનો રહેશે તેમજ બીજા ઘૂંટણ/થાપાના રિપ્લેસમેન્ટ માટે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી/ તબીબી અધીક્ષકની મંજૂરી મેળવ્યા બાદ સારવાર કરાવ્યાથી લાભ મળવાપાત્ર રહેશે. ઉપરાંત કિડની તથા લિવર ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોસીજરો માટે ઉમેરો કરવા માટેની બાબતને મંજૂરી અપાઇ છે તેમજ નવી ઉમેરાયેલી ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રોસીજરો માટે લાભની મર્યાદા પ્રતિ વર્ષ પ્રતિ કુટુંબ રૂા. પ લાખ સુધીની સારવાર મળવાપાત્ર થશે. ઉપરોક્ત લાભો કેટલીક શરતોને આધીન મંજૂર કરાયા છે તેવી શ્રી શાહે યાદીમાં માહિતી આપી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer