ભુજમાં સરકારી મિલકત પર થતું દબાણ અટકાવવા રાવ

ભુજ, તા. 15 : શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં  કેટલાક અસમાજિક તત્ત્વો દ્વારા સરકારી મિલકત ઉપર થતા દબાણને અટકાવવા રહેવાસીઓએ પોલીસ તથા કલેકટર સમક્ષ ફરિયાદ કરી હતી. નાગનાથ મંદિર સામેના રહેવાસીઓ તેમજ તેમના વતીથી અનિલ ગોરે કલેકટર તથા પોલીસવડાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં દીવાલોને નુકસાન કરી અને તોડી પાડીને બાંધકામ થઈ રહ્યું છે. હાલમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર પ્રવેશ કરીને દીવાલો અને દીવાલોની બાજુમાં પાયો ખોદીને બાંધકામ તથા પાકું બાંધકામ  શરૂ થાય તેની સામે અગાઉ પણ અનેક ફરિયાદો થયેલી છે અને સાગરીતો દ્વારા આવી પ્રવૃત્તિઓ કરીને સરકારી મિલકતોને નુકસાન કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ જેમની સામે ફરિયાદ થયેલી છે. એ જ વગ ધરાવતા હોવાથી તેનીસામે કાર્યવાહી થતી નથી અને તે દરેક સરકારી મિલકતોમાં આ રીતે પ્રવેશ કરીને તેની અંદર નુકસાન કરે છે. જેમાં બિનવારસુ સરકારી મિલકતોના બારી-દરવાજા  વિગેરે કાઢી લેવામાં આવે છે. આ રીતે હાલમાં આવી પ્રવૃત્તિ પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા અન્ય પોલીસ કવાર્ટર જે ખંડેર પડેલા છે તે મિલકતોમાંથી  બારી- દરવાજાઓ અને પોલીસ પરેડ ગ્રાઉન્ડની દીવાલો તોડીને પોતે અંગત બાંધકામ સરકારી મિલકતો ઉપર શરૂ કરે છે એવું જણાવ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer