કિડાણા પ્રા. આરોગ્ય કેન્દ્રમાં સત્વરે તબીબ નીમવા માંગ

ગાંધીધામ, તા. 15 : તાલુકાના કિડાણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબના અભાવે ઊભી થતી સમસ્યા અંગે ઈન્ડિયન યુથ કોંગ્રેસે આરોગ્ય મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘેલા અને મંત્રી વીરેન્દ્રસિંહ ઝાલાએ આરોગ્યમંત્રી પરબતભાઈ પટેલને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે બહોળી વસ્તી ધરાવતા કિડાણા ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં તબીબ ન હોવાથી દર્દીઓને અનેકો પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. તેમજ ઈમરજન્સીના સમયમાં લોકોને રામબાગ હોસ્પિટલ સુધી લાંબા થવું પડે છે. વધુમાં તેઓએ કહ્યું કે આરોગ્ય કેન્દ્રમાં કોઈ તબીબને ચાર્જ સોંપવામા આવ્યો નથી. જેના કારણે સ્થાનિકો નાછૂટકે ખાનગી આરોગ્ય કેન્દ્રમાં નાણા ખર્ચવા પડી રહ્યા છે. શ્વાન કરડવા બાદની પણ સારવાર ઉપલબ્ધ ન હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરાયો હતો. આરોગ્યની કથળતી જતી સ્થિતિને કેન્દ્રમાં રાખી અત્રેના આરોગ્ય કેન્દ્રમાં નિયમિત તબીબની નિમણૂક કરવા માંગ કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કંડલા વિસ્તારમાં અપૂરતી આરોગ્યલક્ષી સારવારના અભાવે બાળકો ઓરીમાં સપડાયા હતા. કિડાણામાં તબીબના અભાવે લોકોના આરોગ્યનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer