ગાંધીધામ પાલિકા સામે પ્રશ્નો ન ઉકેલાય તો કામદાર હડતાળ

ગાંધીધામ, તા. 15 : સુધરાઇમાં કામ કરતા અનુસૂચિત જાતિના વાલ્મિકી સમાજના સેંકડો સફાઇ કામદારોના વિવિધ પડતર પ્રશ્નો અંગે વાલ્મિકી એકતા મંચ દ્વારા સુધરાઇ પ્રમુખ અને મુખ્ય અધિકારીને  પત્ર પાઠવી ત્વરિત નિવેડો લાવવા ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી છે. સફાઇ કામદારોના પ્રશ્નો અઢી દાયકા જેટલા લાંબા ગાળાથી પડતર પડયા છે. જો તે ન ઉકેલાય તો આંદોલનની ચીમકી પણ આપી છે. નગરપાલિકા નિયામકની મંજૂરીથી કાયમી કરવાના હોવા છતાં કાયમી અંગેના પગાર લેખિત ઓર્ડરો ન અપાતાં સફાઇ કામદારોમાં અસંતોષ વ્યાપ્યો છે.  ડિસેમ્બર 2010ની સ્થિતિએ  ખાલી પડેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની ત્વરિત કાર્યવાહી કરવા પત્રમાં માંગ કરાઇ છે. સફાઇ કામના કોન્ટ્રાક્ટની મુદ્દત 31/3ના પૂરી થઇ ગઇ છે જેથી હવે પછી સફાઇ કામનો કોન્ટ્રાક્ટ કોઇ વ્યકિત કે કોઇ એજન્સીને ન આપી કોન્ટ્રાક્ટ પ્રથા જ રદ્ કરવા જણાવાયું છે. કોન્ટ્રાક્ટ બેઝ?પર રહેલા કામદારોને લઘુતમ વેતન અપાતું ન હોઇ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા, લઘુતમ વેતન આપવા અંગે તાકીદ કરવી, કોન્ટ્રાક્ટ પરના કામદારોને પગાર સ્લીપ, દર મહિને હાજરી કાર્ડ આપવાની કાર્યવાહી કરવા, સફાઇ કામદારોને ઇપીએફનો  લાભ નિયમ મુજબ આપવા, કામદારોની સફાઇ માટે સાવરણા, બકડિયા, પાવડા, ત્રિકમ, ગમબુટ, મોજા, ડ્રેસ, માસ્ક અપાતા ન હોઇ આ તમામ સાધનો આપવા, વર્ગ 3 અને 4ની ખાલી પડેલી જગ્યાઓ ભરવાની કાર્યવાહી ત્વરિત કરવા સહિતના પ્રશ્નો અંગે પણ રજૂઆત કરાઇ છે. કામદારોના આ પ્રશ્નો વર્ષોથી વણઉકેલ્યા પડયા છે. જો ત્વરિત નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી મંચના સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર મયૂર પાટડિયા, ગાંધીધામ ખાતેના પ્રતિનિધિ શિવજી વાઘેલા, રૂખી સમાજના પ્રમુખ ચમન મકવાણા, વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ દિનેશ વાણિયાએ આપી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer