નોડે સંધી મુસ્લિમ સમાજને ઓ.બી.સી. હેઠળ લેવા ઉચ્ચ સ્તરે થશે રજૂઆત

ભુજ, તા. 15 : નોડે સંધી મુસ્લિમ સમાજ કચ્છની સામાન્ય સભા સોયલા ગામે સંસ્થાના પ્રમુખ જુસબભાઇ નોડેના પ્રમુખસ્થાને મળી હતી. આ બેઠકમાં નોડે સમાજને તાત્કાલિક ગુજરાત સરકાર ઓ.બી.સી.માં સમાવેશ કરે તે માટે એક ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ જુમા ઇશા નોડેની આગેવાની હેઠળ ગાંધીનગર જઇ રજૂઆત કરશે અને નોડે સમાજને આર્થિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ કરવા માગણી કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. સમાજના યુવાનો અને યુવતીઓને દીની તાલીમ અને શૈક્ષણિક તાલીમ આપવા માટે ભાર મુકાયો હતો. મુસ્લિમ સમાજની ભુજમાં યોજાયેલ રેલીને સમાજ તરફથી ટેકો આપવામાં આવ્યો હતો. દરગાહોને તોડફોડ કરવામાં આવી છે તે ગુનેગારોને તાત્કાલિક પકડવામાં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. બેઠકનું સંચાલન અનવરભાઇ નોડેએ સંભાળ્યું હતું. સમાજના ઇમરાન નોડે પર એટ્રોસીટીની ફરિયાદ અંગેની તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તેવો સમાજ તરફથી સર્વાનુમતે ઠરાવ કરી માગણી કરવામાં આવી હતી. બેઠકમાં સંસ્થાના પ્રમુખ જુસબભાઇ નોડે, ઉપપ્રમુખો ઓસમાણભાઇ નોડે તથા મુસાભાઇ નોડે, વૈયલભાઇ નોડે, જુમા ઇશા નોડે, સિધિક ઉમર નોડે, હાજી હાસમ નોડે, તારમામદ નોડે (માજી સરપંચ લુડિયા), અબ્દ નોડે (સરગુ), જુસબ સલીમ નોડે (સોયલા), મિયાંજી જુસબ નોડે, લાખા નોડે, હુસેન નોડે, દિના નોડે વિગેરે હાજર રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer