ભીમાસર તળાવડી કૌંભાડમાં અંતે ફોજદારી

ગાંધીધામ, તા. 21 (પ્રતિનિધિ દ્વારા ) : રાપર તાલુકાના ભીમાસર ગામે કાગળ ઉપર ખેતતળાવડીઓ બનાવી આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને કૌભાંડ બાબતે રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોએ અંતે જવાબદારો સામે ફોજદારી દાખલ કરાવતાં સંબંધિતો કાયદાના સાણસામાં આવવા સાથે ભારે ખળભળાટ મચી ગયો છે.આ તળાવડી કૌભાંડમાં જળ સિંચાઈ વિભાગના વર્ગ 3ના સરકારી કર્મચારી ક્ષેત્ર મદદનીશ ઈશ્વરલાલ અંબાલાલ અડાલજા અને ક્ષેત્ર નિરીક્ષક રાજેન્દ્ર હરગોવિંદ યોગી ઉપરાંત તળાવડીનું કામ રાખનારા ઠેકેદાર ભીમાસર ગામના રામજીભાઈ સુરાભાઈ સોલંકી સામે ગાંધીધામ એસીબી પોલીસ મથકમાં આ ગુનો દાખલ કરાયો છે. કેસના ફરિયાદી એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ બન્યા છે.  સત્તાવાર સાધનોએ ફરિયાદને ટાંકીને આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપીઓએ એકમેક સાથે મળી જઈને ભીમાસર ગામે બનાવવાની સરકારી ખેત તળાવડી માત્ર કાગળ ઉપર બનાવીને રૂા. 1,79,557ની  ગેરરીતિ આચરી હતી. જેમની સામે ગુનો દાખલ થયો છે તેવા બે સરકારી કર્મચારીઓ હાલે રાપરના ગુજરાત રાજ્ય જમીન વિકાસ લિમિટેડમાં ફરજ બજાવી રહ્યા છે. કેસની આગળની તપાસ પૂર્વ કચ્છ એસીબી ઈન્સપેકટર પી.વી. પરગડુને સોંપવામાં આવી છે.  આ સમગ્ર કૌભાંડ જળ સિંચાઈ યોજના અંતર્ગત 90 ટકા સબસિડીવાળી ખેતતળાવડી યોજના હેઠળ આચરવામાં આવ્યું હતું. ભીમાસર ગામે આવી બે તળાવડી માત્ર કાગળ ઉપર બનાવીને આ ગેરરીતિ આચરવામાં આવી હતી. એસીબીના નિયામક કેશવકુમાર તથા અધિક નિયામક હસમુખ પટેલ દ્વારા આ પ્રકારના કેસોને ટોચની અગ્રતા આપી તપાસ કરવાના આદેશ અપાયા હતા. ભીમાસરના આ પ્રકરણ વિશે થયેલી ફરિયાદો બાબતે સ્થાનિકે તપાસ અને દસ્તાવેજી પુરાવાની સમીક્ષા બાદ અંતે આ ગુનો આજે દાખલ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડ બાબતે તાજેતરમાં કચ્છમાં યોજાયેલા એસીબીના લોકદરબારમાં પણ રજૂઆતો થઈ હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer