નલિયાકાંડમાં રચાયેલા પંચ માટે રૂા. 9.11 લાખનો ખર્ચ

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છના બહુચર્ચિત નલિયાકાંડના મુદ્દે આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના દસેક જેટલા ધારાસભ્યોએ કમિશન પાછળ ખર્ચ સહિતના ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. જેના લેખિત પ્રત્યુત્તરમાં ગૃહ રાજ્યપ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમિશનની નિમણૂક થઇ ગઇ છે. કાર્યવાહી કરવામાં આવી છે અને કમિશનની પ્રથમ સીટિંગની તારીખથી ત્રણ માસ સુધીમાં  રિપોર્ટ સોંપવામાં આવશે. ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર 2017ની સ્થિતિએ કમિશન પાછળનો ખર્ચ 5,24,794 થયો હતો, જે 31મી જાન્યુઆરી 2018ની સ્થિતિએ 9,11,596 જેટલો થયો છે. આમ એક જ મહિનામાં આ ખર્ચામાં 3,86,802નો વધારો થયો છે. પરંતુ સરકાર દ્વારા આ રિપોર્ટ રજૂ કરવા અંગે કોઇ ચોક્કસ નિર્ધારિત તારીખ જાહેર કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે 17 માર્ચ 2017ના રોજ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી કે, નલિયાકાંડની તપાસ કરવા માટે હાઇકોર્ટના નિવૃત્ત જજના વડપણ હેઠળ કમિશનની રચના કરવામાં આવશે. આજે એક વર્ષ ઉપરાંતનો સમય પૂરો થયો હોવા છતાં સરકાર હજી સ્પષ્ટ જવાબ નથી આપી રહી કે નલિયાકાંડ સંદર્ભે જસ્ટિસ દવે કમિશનનો રિપોર્ટ સરકાર ક્યારે જાહેર કરશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer