હડકિયા ક્રીકમાં પાળા બાંધી દેવાતાં 3-4 હજાર એકરમાં ચેરિયાં મુરઝાશે

હડકિયા ક્રીકમાં પાળા બાંધી દેવાતાં  3-4 હજાર એકરમાં ચેરિયાં મુરઝાશે
ભુજ, તા. 21: ઔદ્યોગિક હિતો સાચવવા માટે ભચાઉ વિસ્તાર બાજુની હડકિયા ક્રીકમાં પાળા બાંધી દરિયાનું પાણી બંધ કરવાની ગતિવિધિ થકી અહીંના ત્રણથી ચાર હજાર એકર વિસ્તારમાં ચેરિયાં મુરઝાઇ જવાની ભીતિ આજે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા બોલાવાયેલી પત્રકાર પરિષદમાં વ્યક્ત થઇ હતી. ઉપરાંત વોંધ વિસ્તારમાં ચેરિયાંના થયેલા નિકંદન બદલ ગ્રીન ટ્રિબ્યુનલની 19મી માર્ચની સુનાવણીમાં જૈસે-થે સ્થિતિ જાળવી રાખવાનો આદેશ થયો હોવાની તેમજ આગામી સુનાવણી 1લી મેના મુકરર થઇ હોવાની જાણકારી અપાઇ હતી. સંગઠનના પ્રમુખ ભીખાભાઇ રબારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ઔદ્યોગિક હિતો સચવાય તે અર્થે વોંધ વિસ્તારના દરિયા કાંઠે આડેધડ નમક ઉત્પાદકોને લીઝની જમીન ફાળવી દેતા અપાયેલી જમીન કરતાં વધુ જમીનમાં નમક ઉત્પાદિત કરવા અર્થે અહીં 1200થી 1300 એકર જેટલી જમીનમાં ચેરિયાંનું નિકંદન નીકળી ચૂકયું છે અને હજુ પણ આ ઔદ્યોગિક તત્ત્વો દ્વારા ક્રીકમાં એકથી દોઢ ફૂટ પાળા બાંધી દરિયાનું પાણી અંદર ન પ્રવેશે તેની ગતિવિધિ થઇ ચૂકી હોવાથી અહીં વધુ ત્રણથી ચાર હજાર એકરમાં ફેલાયેલાં ચેરિયાં પાણીના અભાવે મૂરઝાઇ જઇ નાશ પામશે. આથી વહેલી તકે કાર્યવાહી કરવા પર તેમણે ભાર મૂકયો હતો. હોટલ વિરામ ખાતે સંગઠન દ્વારા બોલાવેલી પત્રકાર પરિષદમાં વોંધ, ચીરઇ, જંગી વિસ્તારના નાના-મોટા બેટના દરિયા કિનારે હજારો એકરમાં ચેરના વૃક્ષોનું મોટા પાયે નિકંદન થયાનું ધ્યાન આવતા આ વિસ્તારમાં ચેરિયાં પર નભતી ખારાઈ ઊંટની લુપ્ત થતી પ્રજાતિ પર પણ ખતરો આવ્યો છે. જાન્યુઆરી માસમાં આ અંગેની ગતિવિધિ ધ્યાને આવ્યા બાદ સંગઠને કઇ રીતે એક-પછી એક પગલાં લીધા તેની વિસ્તાર પૂર્વકની માહિતી અપાઇ હતી. અને સંગઠને દિલ્હીની ગ્રીન ટ્રિબ્યુનલમાં કરેલી અપીલના પગલે 19મીના થયેલી સુનાવણીમાં દીન દયાળ પોર્ટ ટ્રસ્ટને ચેરિયાં નિકંદન ન થાય તે જોવા તથા હાલ જે સ્થિતિમાં ચેર છે તેનું રક્ષણ કરવા સ્ટે અપાયો છે. ઉપરાંત વધુ સુનાવણી 1લી મેના થશે. તેમજ પક્ષકારોમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, શ્રી જ્યોતિ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રી રામ સોલ્ટ સપ્લાયને પણ રાખવાની જાણ કરાઇ છે. આજના આ પત્રકાર મિલનમાં શ્રી રબારી ઉપરાંત વોંધના આદમભાઇ જત, ખીરસરાના નૂરમામદ જત તથા સહજીવન સંસ્થાના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહી આ સંબંધી વિવિધ જાણકારીઓ આપી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer