ભાડાના પૂર્વ ચેરમેન સહિત બે જણનો અકસ્માતમાં બચાવ

ભાડાના પૂર્વ ચેરમેન સહિત બે  જણનો અકસ્માતમાં બચાવ
ગાંધીધામ, તા. 21 : જિલ્લાના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી નજીક કચ્છ ભાજપના અગ્રણી તથા ભાડાના પૂર્વ ચેરમેન કિરીટ મનસુખલાલ સોમપુરા તથા પ્રવીણ વેલજી પિંડોરિયાની કારને અકસ્માત નડયો હતો. જો કે સામાન્ય ઇજાઓ સિવાય બન્નેનો આબાદ બચાવ થયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ભુજના કિરીટ સોમપુરા (ઉ.વ. 49) અને પ્રવીણ પિંડોરિયા (ઉ.વ. 49) કાર લઇને ભુજથી નીકળ્યા હતા. આ બન્ને આજે સવારે ગાંધીનગર બાજુ જઇ રહ્યા હતા. ત્યારે તેમને સૂરજબારી નજીક અકસ્માત નડયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આગળ જતી એક ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી કાર તેમાં ઘૂસી ગઇ હતી અને તેવામાં જ પાછળથી આવતી અન્ય એક ટ્રકે કારને ટક્કર મારતાં આ અગ્રણીઓની કાર બે ટ્રકો વચ્ચે ફસાઇ ગઇ હતી. આ બંને અગ્રણીઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેમને ભચાઉમાં સારવાર અર્થે ખસેડાયા બાદ બને ભુજ પરત રવાના થયા હતા. પોલીસે કહ્યું હતું કે, જે બંને ટ્રકો વચ્ચે આ કાર ફસાઇ હતી તે બંને વાહનોના ચાલકો પોતાના વાહન લઇને નાસી ગયા હતા. આ પ્રકરણમાં પોલીસ મથકે ટેલિફોન નોંધ સિવાય ફરિયાદ થઇ નહોતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer