કંડલાના ટર્મિનલમાંથી તેલની ચોરીના પ્રયાસ અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 21 : કંડલામાં આવેલા એક ખાનગી કંપનીના ઓઈલ ટર્મિનલમાં કાણું પાડી તેમાંથી સોયાબિનની ચોરીની કોશિશ કરનારા બે ઈસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. કંડલામાં આવેલી ફ્રેન્ડસ બલ્ક હેન્ડલર્સ લિમિટેડ નામની કંપનીમાં ગત મોડી રાત્રે 3.30ના અરસામાં આ બનાવ બન્યો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગણેશનગર ગાંધીધામનો અસગર અહેમદ બાપડા અને કિડાણાનો સલીમ અબ્દુલ કકલ નામના ઈસમો મોડી રાત્રે આ કંપનીમાં આવ્યા હતા. પાઈપ વગેરે સાધનો લઈને આવેલા ઈસમો ટેન્ક ટર્મિનલમાં કાણું પાડવાની કોશિશ કરી રહ્યા હતા અને તેમાંથી સોયાબિન તેલ કાઢવાની ફિરાકમાં હતા. દરમ્યાન કંપનીના અમુક કર્મચારીઓ આ ઈસમોને જોઈ અને રાડા-રાડ થવાના પગલે આ બન્ને ત્યાંથી નાસી ગયા હતા. તેલની ચોરી કરવા આવેલા આ બન્ને વિરુદ્ધ કંપનીના ટર્મિનલ મેનેજર જેમ્સ મતાઈ પનિલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer