સરહદે સિંધુનું પાણી મીઠું કરવા આર.ઓ. લાગશે

ભુજ, તા. 21 : કચ્છની સરહદે રખોપું કરતા સીમા સુરક્ષા દળના જવાનોને પીવાનું પાણી આપવામાં મુશ્કેલી થતી હોવાથી ભૂગર્ભમાંથી વહેતા સિંધુ નદીના પાણી ઉલેચવાનો નિર્ણય લેવાયો હતો. બોરમાંથી પાણી તો નીકળ્યું પરંતુ ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી હવે આ પાણી માટે આર.ઓ. પ્લાન્ટ લગાડી શુદ્ધ કરવામાં આવશે. પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર અશોક લદ્ધરના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલાં સીમા સુરક્ષા દળની 1079 નંબરની ચોકી પાસે બોરવેલ કરાયા પછી પુષ્કળ પાણી નીકળ્યું હતું. પાણીમાં ટી.ડી.એસ. વધારે હોવાના કારણે પીવાલાયક નથી એવું જણાયું હતું. તેમ છતાં આ જ પાણીને આર.ઓ. વડે શુદ્ધ કરી શકાય અને ક્ષારનું પ્રમાણ એટલે કે ટી.ડી.એસ. ઘટાડી શકાય  તેમ છે. અત્યારે ધરમશાળાથી પાઇપલાઇન વાટે પાણી પહોંચાડવું એ અત્યંત મુશ્કેલ હોવાથી ટૂંકા અંતરે પાણી મળે તો હાલમાં પેયજળના કારણે જવાનોને થતી હાલાકી નિવારી શકાય તેમ છે. તેમના જણાવ્યા પ્રમાણે એક દિવસમાં એક લાખ લિટર પાણી આર.ઓ. થઇ શકે એવા પ્લાન્ટ લગાડવા માટે બોર્ડ તરફથી ભાવ મંગાવવાની સૂચના મળી હોવાથી અહીંથી ઓફર મંગાવાઇ છે. 350 ટી.ડી.એસ. કરી શકાય તેવા શુદ્ધિકરણ પ્લાન્ટ એક સ્થળે એવા જો ત્રણ લગાડવામાં આવશે તો દરરોજ ત્રણ લાખ લિટર જળ આર.ઓ. થઇ શકશે એમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે પાંચેક હજાર જવાનોને રોજની અઢી લાખ લિટર પાણીની જરૂરિયાત છે. એક બોરવેલના સ્થળે તો બીજા બે શકુર લેકમાં પણ આર.ઓ. લગાડવાની વિચારણા છે, એમ તેમણે અંતમાં કહ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer