કળશ બોલીની ઉપજ વૈયાવચ્ચ,માનવસેવામાં વાપરવાની જાહેરાત

માંડવી, તા. 21 : જૈન મુનિ ભાસ્કરજી સ્વામીના સંસાર ત્યાગ અને દીક્ષા ગ્રહણના અર્ધ શતાબ્દી 50મા સંયમોત્સવના પ્રારંભના તૃતીય અને પ્રતિ માસિક 35મા આધ્યાત્મિક મહામાંગલિકનું અનુષ્ઠાન માંડવી સ્થાનકવાસી છ કોટિ જૈન સંઘના ઉપક્રમે માંડવીના સમસ્ત જૈન સમાજના અને બહારગામથી  આવેલા ભાવિકોની ઉપસ્થિતિમાં ઉજવાયું હતું. પ્રારંભે જૈન અને વૈદિક પ્રાચીન ધર્મગ્રંથોમાં વર્ણવાયેલ મંત્ર વિજ્ઞાનની ભાસ્કરજી સ્વામીએ પ્રાથમિક સમજ આપી હતી. ત્યારબાદ દોઢ કલાક તેના પ્રયોગો કરાયા હતા. આ માંગલિક દ્વારા અભિમંત્રિત રિદ્ધિ-સિદ્ધિ રજત કળશની બોલીમાં ભાવિકોએ રમઝટ બોલાવી હતી. તેમાં સર્વાધિક બોલીમાં માંડવીના વૈષ્ણવ વણિક પરિવારના સ્વ. માતા પુષ્પાબેન મૂળજીભાઇ શાહ હસ્તે પુષ્પાબેન હરેશકુમાર મૂળજીભાઇ શાહ પરિવાર યશભાગી બન્યો હતો. કળશ ગુરુદેવના હસ્તે અર્પણ કરાયો હતો. બોલીમાં સહભાગી રહેલા પરિવાર અને શ્રી સંઘના પદાધિકારીઓ વતીથી શાહ પરિવારનું અભિવાદન કરાયું હતું. કળશ બોલીમાં દર મહિને જે ઉપજ થાય તે તમામ રકમ જૈન સાધુ-સાધ્વીજીની સેવા-વૈયાવચ્ચ-તબીબી સેવા કેમ્પ, જીવદયા તથા માનવતાલક્ષી સેવાકાર્યોમાં જ લીંબડી અજરામર સંપ્રદાય તરફથી વાપરવાના સંકલ્પને દોહરાવાયો હતો. કળશ બોલીની ઉપજ વૈયાવચ્ચ અને માનવસેવામાં વાપરવા જાહેરાત કરાઇ હતી તેવું સંઘના પ્રમુખ બાબુભાઇએ યાદીમાં જણાવ્યું હતું. આ અનુષ્ઠાનમાં સાધ્વી જ્યોતિપ્રભા, હંસાકુમારીજી અને સોહિનીકુમારીજી આદિ શ્રમણીવૃન્દ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer