બાંદરા પહોંચેલી કચ્છ એક્પ્રેસ ટ્રેનમાંથી 30 કિલો ગાંજો ઝડપાયો

ભુજ, તા. 20 : ગઇકાલે બાંદરા ટર્મિનસ (મુંબઇ) ખાતે પહોંચેલી ભુજથી ઊપડેલી કચ્છ એક્પ્રેસ ટ્રેનના એસ-5 ડબ્બામાંથી ત્રણ બિનવારસુ બેગમાંથી 30 કિલો ગાંજો મળી આવ્યો હતો. અલબત્ત, આ ત્રણ બેગ કોણ લાવ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. આ દિશામાં સર્વગ્રાહી છાનબીન હાથ ધરાઇ છે.  બાંદરા પહોંચ્યા પછી ટ્રેનના તમામ ઉતારુ ઊતરી ગયા પછી રેલવે પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસણી દરમ્યાન ટ્રેનના એસ-5 નંબરના ડબ્બામાં એક સીટ નીચેથી ત્રણ બેગ બિનવારસુ મળી હતી. શરૂઆતના તબક્કે બેગમાં વિસ્ફોટક હોવાની શંકા સાથે વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરાઇ હતી. આ પછી બેગ ખોલાતાં તેમાં કેફી દ્રવ્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.  સત્તાવાર સાધનોએ જાહેર કરેલી વિગતો અનુસાર, કબ્જે કરાયેલી આ ત્રણ બેગમાંથી જુદાં-જુદાં 15 બંડલમાં વીંટળાયેલો 30 કિલો અને 550 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂા. 1.83 લાખ અંકારવામાં આવી છે. બનાવ બાબતે અજ્ઞાત શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરાઇ રહી છે. અલબત્ત, હજુ સુધી આરોપીઓ વિશે કોઇ ચોક્કસ કડીઓ મળી હોય તેવું જાણવા મળ્યું નથી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer