ભુજમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કેમ નહીં ?

ભુજમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કેમ નહીં ?
ભુજ, તા. 20 : શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ઉપરાંત બીમાર ગૌવંશોની સારવારના ખર્ચથી બચવા માલિકો દ્વારા ઢોરોને ચોક્કસ વિસ્તારમાં મૂકી દેવાતા હોવા સાથે શહેરમાં અબોલ જીવોની સ્થળપર સારવારના અભાવ વચ્ચે અનેક પશુ સમયસર હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મૃત્યુ પામે છે. એકાદ સંસ્થાના કાર્યકરો-જીવદયાપ્રેમીઓ આ સેવાકાર્ય કરી રહ્યા છે.  જો રાજ્યના પાંચ શહેરમાં ચાલતી એનિમલ હેલ્પ લાઇન સાથે 108 જેવી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ શરૂ થાય તે માટે રાજકીય અગ્રણીઓ પ્રયત્નો કરે તો અનેક જીવ બચી શકશે અને જીવદયાના નારા વચ્ચે ખરેખરું જીવો માટે મોટું કામ થયું લેખાશે. ભુજમાં સ્વાર્થી માલિકો દ્વારા રખડતા છોડી મુકાયેલા ઢોરોને પગલે શહેરમાં સમસ્યા વધી રહી છે. મુખ્ય માર્ગો, અંતરિયાળ વિસ્તારોમાં આવા ઢોરોના ઝૂંડ પડયા પાથર્યા રહે છે. અનેક લોકો રખડતા ઢોરોની અડફેટે ઘાયલ પણ થઇ રહ્યા છે. સુધરાઇ દ્વારા મોટા પાયે જાહેરાત સાથે ઢોર પકડવાની કવાયત નવા શાસકોએ શરૂ કરી હતી અને દંડની વસુલાત પણ આકરી બનાવી હતી પરંતુ પકડાયેલા ઢોરોને છોડાવવા મોટા રાજકારણીઓના ફોન આવતાં ઢોરો પકડવાનું બંધ કરી દેવાયું. જો કે, મોડે-મોડે આ ઝુંબેશ ફરી જીવંત બને છે અને જૂજ ઢોર પકડી ઢોરવાળે પુરાય છે.  સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર અમુક ઢોર માલિકો ખૂબ જ શાણા બની ગયા છે અને પોતાના બીમાર પશુઓને ચોક્કસ વિસ્તારોમાં રખડતા છોડી મૂકે છે. આવા પશુઓને તડપતા જોઇ અને જીવદયાપ્રેમીઓ મોટેભાગે સ્વખર્ચે પશુને સારવાર અપાવે અથવા તો હોસ્પિટલ પહોંચાડવાના વ્યાયામ કરતા હોય છે. જેથી માલિકનો તમામ ખર્ચ બચી જાય !!  જાહેરમાં ચારો વેચવાની મનાઇ છતાં નિયમનું છડેચોક ઉલ્લંઘન કરાઇ રહ્યું છે. શહેરીજનો પણ જીવદયાના ભાગરૂપે અન્યોના રહેણાક પાસે ઘાસચારો ફેંકી જાય છે જેને પગલે ગૌવંશો એકત્ર થાય છે અને જે-તે વિસ્તારના લોકો હડફેટે ચડે છે. આ જીવદયાપ્રેમીઓ અન્યોની જગ્યાએ તેમના ઘર પાસે પણ ચારો નાખી શકે છે પરંતુ એવું ન કરી અન્યો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે. જીવદયા માટે ચોક્કસ સ્થળ નક્કી થાય અને ત્યાં જ ઘાસચારો નખાય તેવી માંગ જાગૃતો કરી રહ્યા છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer