ગાંધીધામ પાલિકાનું માત્ર 29 લાખની પુરાંત ધરાવતું અંદાજપત્ર વિરોધ વચ્ચે પસાર

ગાંધીધામ પાલિકાનું માત્ર 29 લાખની પુરાંત  ધરાવતું અંદાજપત્ર વિરોધ વચ્ચે પસાર
ગાંધીધામ, તા. 20 : અહીંની નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2017-18ના સુધારેલા અને વર્ષ 2018-19ના રૂા. 29,66,401ના પુરાંતવાળા અંદાજપત્રને બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યું હતું. દરમ્યાન વિપક્ષે આ બજેટ ચીલાચાલુ અને તેમાં  લોલંલોલ હોવાનો આક્ષેપ કર્યો હતો. પાલિકા કચેરીના હોલમાં મળેલી સામાન્ય સભા અંદાજપત્રને આખરી બહાલી આપવા રાખવામાં આવી હતી. દરમ્યાન વિરોધપક્ષના નેતા અજિત ચાવડાએ પાટણના ભાનુભાઇ વણકર અને પાલિકાના અમુક કર્મીઓના અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલિ આપવા કહ્યું હતું. બાદમાં જાગેલા સત્તાપક્ષના તેમજ અન્યોએ દિવંગતોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. શરૂઆતમાં વિરોધપક્ષે કહ્યું હતું કે, પ્રમુખ સ્થાનેથી જે કોઇ એજન્ડા હોય તે અત્યારે લઇ લો કારણ કે પાછળથી તેમાં એજન્ડા ઉમેરી દેવામાં આવે છે. તો બજેટમાં આટલી વિસંગતતા કેમ તેવા વિરોધપક્ષના આ અજિત ચાવડાના પ્રશ્નનો ઉત્તર જે-તે વખતે સંતોષકારક અપાયો ન હતો અને બાદમાં કચેરીમાં તમને એકાઉન્ટન્ટ સમજાવી દેશે તેવું સત્તાપક્ષે જણાવી દીધું હતું. આ અંદાજપત્રમાં ગોટાળા છે, તે ચિલાચાલુ છે અને તેમાં લોલંલોલ સિવાય કાંઇ જ નથી. 7 ગ્રામ પંચાયત ધરાવતી તાલુકા પંચાયતનું પણ રૂા. 1 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર બન્યું હતું. જ્યારે એ-વન કક્ષામાં આવનારી અહીંની પાલિકાનું માત્ર રૂા. 29,66,401ની પુરાંતવાળું અંદાજપત્ર પાસ કરાતાં આગામી સમયમાં પાલિકા દેવાળું ફૂંકશે તેવું વિરોધપક્ષના નેતાએ જણાવ્યું હતું. આ બેઠકમાં પાલિકા અધ્યક્ષા ગીતાબેન ગણાત્રા, ઉપપ્રમુખ કાનજીભાઇ ભર્યા,  કારોબારી ચેરમેન તારાચંદ ચંદનાની, મુખ્ય અધિકારી તથા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer