કચ્છની ખાણ-ખનિજ કચેરીનું વિભાજન

ગાંધીધામ, તા. 20 : ગુજરાત સરકારે વિશાળ એવા કચ્છ જિલ્લાનું વહીવટી દૃષ્ટિએ પહેલાં પોલીસક્ષેત્રે અને હવે ખાણ-ખનિજ ક્ષેત્રે વિભાજન કર્યું છે. ભુજમાં કાર્યરત ખાણ-ખનિજ ખાતાની કચેરીના પૂર્વ અને પશ્ચિમ ભાગ કરીને પૂર્વ કચ્છની નવી કચેરી અંજાર ખાતે રાખવાનો નિર્ણય કર્યો છે. આજે જ બહાર પડાયેલા આદેશોમાં બંને કચેરીના મહેકમ સહિતની માહિતી અપાઇ છે. અંજાર વિભાગના ધારાસભ્ય અને રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના સતત પ્રયાસોનું આ પરિણામ હોવાનું જાણવા મળે છે. કુલ્લે 45,674 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. 10 તાલુકામાં વહેંચાયેલા જિલ્લામાં ખનિજ પણ વિપુલ પ્રમાણમાં મળે છે. બ્લેક ટ્રેપ, બેન્ટોનાઇટ, સામાન્ય રેલી, માટી જેવાં ગૌણ ખનિજ ઉપરાંત લાઇમ સ્ટોન, લિગ્નાઇટ, બોક્સાઇટ, વ્હાઇટ ક્લે, ચાઇના ક્લે, સિલિકા સેન્ડ, લેટેરાઇટ જેવાં મુખ્ય ખનિજ પણ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. કચ્છમાં ખનિજની કુલ્લ 866 લીઝ અસ્તિત્વમાં છે. આ ખનિજસભર વિસ્તારને લીધે લીઝની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો રહે છે. લીઝની વધુ સંખ્યા તથા વિશાળ વિસ્તારને  કારણે ક્વોરી લીઝ/માઇનિંગ લીઝનાં નિરીક્ષણ, સ્થળ?નિરીક્ષણ માટે ભુજ મુખ્ય મથકથી દૂરના તાલુકાઓમાં લાંબા અંતરને કારણે સમયસર પહોંચી શકાતું નથી. ખનિજ વહીવટ અને સંકલન  કરવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવાતી હોવાથી ગુજરાત સરકારનાં અન્ય ખાતાઓ; જેવાં કે પોલીસ ખાતું, વાહનવ્યવહાર ખાતું અને વન ખાતાની જેમ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતાની ભુજ જિલ્લા કચેરીને પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ એમ બે ભાગમાં વહેંચી પૂર્વ વિભાગમાં રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને મુંદરા તાલુકાઓનો સમાવેશ કરી અંજાર ખાતે મુખ્ય મથક રાખવામાં આવે તથા પશ્ચિમ વિભાગમાં ભુજ, માંડવી, નખત્રાણા, અબડાસા તથા લખપત તાલુકાઓનો સમાવેશ કરી ભુજ ખાતે મુખ્ય મથક રાખવામાં આવે તો  જિલ્લાનો ખનિજ વહીવટ સરળતાથી કરી શકાય તેવી દરખાસ્તને આધારે આ નિર્ણય કરાયો હતો. કચ્છ જિલ્લા કચેરીનું હાલનું મંજૂર મહેકમ 32નું છે તે પૈકી પૂર્વ કચ્છ અંજાર કચેરીને 12, જ્યારે પશ્ચિમ કચ્છ-ભુજ કચેરીને 21નું મહેકમ ફાળવાયું છે. અંજાર ખાતે મદદનીશ ભૂસ્તરશાત્રી વર્ગ-2ની 1 જગ્યા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ-3ની 1 જગ્યા,  માઇન્સ સુપરવાઇઝર વર્ગ-3ની બે જગ્યા, સર્વેયર વર્ગ-3ની 1 જગ્યા (જે રાજકોટની કચેરીથી તબદીલ કરાઇ છે), સિનિયર ક્લાર્ક વર્ગ-3ની 1 જગ્યા,  જુનિ. ક્લાર્ક વર્ગ-3ની 4 જગ્યા, ડ્રાઇવર વર્ગ-3ની 1 જગ્યા, પટાવાળા વર્ગ-4ની 1 જગ્યા મંજૂર કરાઇ છે.  ભુજ કચેરીમાં ભૂસ્તરશાત્રી વર્ગ-1ની 1 જગ્યા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ-3ની 3 જગ્યા, માઇન્સ સુપરવાઇઝર વર્ગ-3ની 4 જગ્યા, સર્વેયર વર્ગ-ની 1 જગ્યા, સિનિ. ક્લાર્ક વર્ગ-3ની 3 જગ્યા, જુનિ. ક્લાર્ક વર્ગ-3ની સાત જગ્યા, ડ્રાઈવર વર્ગ-3ની 1 જગ્યા અને પટાવાળા વર્ગ-4ની 1 જગ્યા મંજૂર થઇ છે. ખાણ-ખનિજ કચેરીના વિભાજનનો આ આદેશ આજે જ ઉદ્યોગ અને ખાણ વિભાગના નાયબ સચિવ ડી.જી. ચૌધરીએ બહાર પાડયો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer