કચ્છમાં સિંચાઈનાં નવાં કામો માટે ઓરમાયું વર્તન

ગિરીશ જોશી દ્વારા  ભુજ, તા. 10 :કચ્છની ભૌગોલિક પરિસ્થિતિને જોતાં દરિયામાં વહી જતાં વરસાદી પાણીને રોકી મોટા પ્રમાણમાં રિચાર્જિંગ કરવાની ચેકડેમની યોજના જાણે મૃતપાય થઈ ગઈ હોય તેમ 2012 પછી કોઈ નવા ડેમની મંજૂરી મળી નથી. એક તબક્કે લોકભાગીદારીથી કચ્છમાં સેંકડો નાના-મોટા જળાશય બન્યા અને મોટાપાયે ગેરરીતિ પણ આચરવામાં આવી હતી. પરંતુ છેલ્લા પાંચ-છ વર્ષથી સરકારે કચ્છને જાણે નાણાં આપવાનું બંધ કરી નાખ્યું હોય તેવું ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. જો કે બીજી બાજુ સિંચાઈ વિભાગનું કહેવું છે કે હવે કચ્છમાં વરસાદી પાણીને રોકવાની ક્યાંય ક્ષમતા નથી એટલે નવા નાના કે મોટા ડેમ શક્ય નથી. કચ્છમાં પાણી સંગ્રહશક્તિ કેટલી છે અને ભવિષ્યમાં જથ્થો વધારવા માટે કોઈ આયોજન છે કે નહીં આ બાબતે સિંચાઈ વિભાગના અધીક્ષક એન.વી. કોટવાલનો સંપર્ક સાધ્યો તો તેમણે કહ્યું કે લોકભાગીદારીની યોજના વખતે 6515 નાના અને 405 મોટા ચેકડેમ બન્યા હતા. જિલ્લાના હયાત 20 મધ્યમ કક્ષાનાજળાશય છે, જ્યારે 54 બંધારા બાંધવામાં આવ્યા હતા. ઉપરાંત નાની સિંચાઈ હસ્તકના 170 ડેમ છે. બધા મળીને કચ્છમાં 40 હજાર મિલિયન ઘન ફૂટ પાણી સંગ્રહ કરવાની શક્તિ છે. આ અંગે વધુ પ્રકાશ પાડતાં કહ્યું કે કચ્છમાં સરેરાશ 20 ઈંચ વરસાદ થાય એ તુલનાએ ક્ષમતા પૂરતી છે. જળાશયોની ક્ષમતા શક્તિ અંગે કહ્યું કે, બધા જ ડેમોમાં એક મિલિયન એકર પાણી સમાઈ શકે. નર્મદાનાં વધારાનાં પાણી કચ્છને ફાળવાની વાત છે એ પણ એક મિલિયન એકર ફીટ છે તે જોતાં આ જળરાશિનો જથ્થો જો કચ્છને ફાળવાય તો હયાત સંગ્રહ શક્તિમાં સમાવાઈ જાય તેમ છે. 2012 પછી તમામ જળાશયો બનાવવા માટે ટેન્ડર પદ્ધતિ અમલમાં આવેલી હોવાથી છેલ્લા પાંચ વર્ષમાં ગણ્યાગાંઠયા કહી શકાય એવા જ ચેકડેમ  બન્યા છે. ત્યારપછી 2013માં 181 કરોડની કચ્છ માટે ફાળવણી કરવામાં આવી હતી. તે પછી દર વર્ષે રકમમાં ઘટાડો થતો ગયો છે તેવું જાણકારોનું કહેવું છે. નાના ચેકડેમોમાં તાલુકાવાર વાત કરીએ તો સૌથી વધારે લાભ રાપર તાલુકાને મળ્યો છે. રાપર તાલુકામાં 1107 નાના ચેક ડેમ બની ચૂક્યા છે. ત્યાર પછી નખત્રાણા તાલુકામાં 1050, અબડાસામાં 967, માંડવીમાં 523, ભુજ તાલુકામાં 921, અંજારમાં 343, મુંદરામાં 576, લખપતમાં 532, ભચાઉમાં 496 મળીને તે વખતે 6515 ડેમ બનાવવામાં આવ્યા હતા. હવેની વાત કરીએ તો દર વર્ષે ડેમોની સંખ્યા હોય કે નાણાંની ફાળવણી કચ્છમાં સતત ઘટાડો કરવામાં આવતો જાય છે. આ સંદર્ભે અધીક્ષક ઈજનેર શ્રી કોટવાલ કહે છે કે, વરસાદી વહેણની સ્થિતિ જોતાં હવે બંધ બાંધી શકાય  તેવી સ્થિતિ કચ્છમાં  નથી. આ અંગે વધુ પ્રકાશ પાડતાં શ્રી કોટવાલ કહે છે કે કચ્છમાં નાના-મોટા 97 નદી કે ડેમોના વહેણ છે. આ વહેણના આધારે કેટલો જથ્થો રહી શકશે તેનું આયોજન કરવામાં આવે છે. ગ્રાન્ટ કેમ ઘટી ગઈ છે એ સવાલ સામે તેમણે જણાવ્યું હતું કે, હવે વધારાના બંધ શક્ય નથી એટલે સરકારને દરખાસ્ત કરાતી નથી. નાણાં હંમેશાં દરખાસ્તના આધારે ફાળવવામાં આવે છે. ગયા વર્ષે આખા વર્ષમાં માત્ર રૂા. 40 કરોડ મળ્યા હતા. જેમાંથી નવા તથા સુધારણાના કામો થયા હતા. કચ્છના 20 ઈંચ વરસાદની ક્ષમતા જોતાં હાલનું માળખું બરોબર છે. પરંતુ હજુ નવું આયોજન શું છે તે સામે તેમણે કહ્યું કે, નવા 7થી 8 બંધારા બાંધી શકાય એમ છે. આ કામ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે. ડિસેમ્બર '17ની સ્થિતિ અંગે કચ્છના ગાંધીધામ વિભાગના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ તાજેતરમાં વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો. જેમાં 2017ના વર્ષમાં કચ્છમાં 8.17 કરોડનો ખર્ચ થયો છે એવો જવાબ અપાયો હતો. આવનારા વર્ષ માટે કચ્છમાં શું થઈ શકે એ બાબતે તેમણે કહ્યું કે સરકારે હાલના બજેટમાં સમગ્ર રાજ્ય માટે રૂા. 68 કરોડની જોગવાઈ કરી છે, જેના ભાગરૂપે કચ્છને નાણાંની ફાળવણી કરવામાં આવશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer