કોમનવેલ્થ ગેમ્સ પહેલાં કુસ્તીબાજો દબાણમાં

નવી દિલ્હી, તા. 20 : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પહેલવાનો હંમેશાં સારું પ્રદર્શન કરતા આવ્યા છે. કોમનવેલ્થમાં રેસલિંગમાં સૌથી વધુ મેડલ જીતવાના મામલે ભારત કેનેડા પછી આવે છે. આ રમતમાં ભારતના નામે 38 ગોલ્ડ સહિત કુલ્લ 90 મેડલ છે. જો કે, આ વખતે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પહેલવાનો માટે પરિસ્થિતિ કઠિન છે. એનું કારણ એ છે કે આ વખતે ભારતીય પહેલવાનોને સ્પર્ધા પહેલાં પરિસ્થિતિથી વાકેફ થવા અને અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા વહેલા જવાની મંજૂરી મળી નથી. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નિર્ણય અનુસાર, કુસ્તીબાજો 10 એપ્રિલે જ એથ્લેટિક વિલેજમાં પહોંચી શકશે, જ્યારે કુસ્તીના મુકાબલા 12 એપ્રિલથી શરૂ થઇ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ 4 એપ્રિલથી થવાનો છે. ફેડરેશનનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા વહેલા જવાથી ખેલાડીઓ રિલેક્સ બની જાય છે. અહીં જ તાલીમ લેશે તો વધુ ધ્યાન અપાશે. આ દરમ્યાન બે વખતનો ઓલિમ્પિક ચંદ્રક વિજેતા અનુભવી પહેલવાન સુશીલ કુમાર હાલ પોતાના ખર્ચે જ્યોર્જિયામાં ટ્રેનિંગ લઇ રહ્યો છે. ફેડરેશનના આ નિર્ણયથી મોટાભાગના પહેલવાનો નારાજ છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer