ગુજરાત પ્રીમિયર લીગ ટી-20નું આયોજન થશે

અમદાવાદ, તા. 20 : ગુજરાતની લાયન્સની ટીમ તો આઇપીએલની બહાર થઇ ગઇ છે, પણ હવે આઇપીએલની જેમ ગુજરાતમાં ફ્રેંચાઇઝી આધારિત ટી-20 ટૂર્નામેન્ટ ગુજરાત પ્રીમિયર લીગ (જીપીએલ)નું આયોજન 28 મેથી 10 જૂન સુધી થયું છે. રિપોર્ટ અનુસાર, આ લીગમાં દેશ-વિદેશના ક્રિકેટર ભાગ લેશે. જો કે, આ લીગને બીસીસીઆઇની માન્યતા મળી છે કે કેમ તે વિશે કોઇ જાણકારી બહાર પડાઇ નથી. આ લીગની છ મેચ રાજકોટમાં રમાશે તેવું પણ જાહેર થયું છે. આ બારામાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના મીડિયા મેનેજર હિમાંશુ શાહનો સંપર્ક કરાયો હતો. તેમણે જીપીએલ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે, અમને આ લીગ વિશે અને તેની મેચ રાજકોટમાં રમાશે એ વિશે કોઇ માહિતી નથી. રિપોર્ટ અનુસાર જીપીએલમાં કુલ્લ છ ટીમ હશે અને 18 ટી-20 મેચ રમાશે. રંગારંગ ઉદ્ઘાટન સમારંભ થશે. 12 દિવસની લીગમાં છ પૂર્વ ભારતીય ક્રિકેટર, 18 ઇન્ટરનેશનલ અને ઘરેલુ ક્રિકેટર પણ ભાગ લેશે. એવો દાવો કરાયો છે કે જીપીએલમાં બ્રાયન લારા, એન્ડ્રુ સાયમન્ડ્સ, મોહમ્મદ કૈફ, ઓવેશ શાહ, હર્સલ ગિબ્સ, એન્ટિની, મુરલીધરન જેવા ખેલાડીઓ પણ ભાગ લેશે. લીગની મેચ અમદાવાદ, સુરત અને રાજકોટમાં રમાશે. વિજેતા ટીમને પ1 લાખ અને ઉપવિજેતા ટીમને 21 લાખ મળશે. જો કે, ગુજરાત પ્રીમિયર લીગ બીસીસીઆઇની માન્યતા પ્રાપ્ત છે કે નહીં તે હજુ જાહેર થયું નથી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. તરફથી માન્યતા મળી નથી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer