`મોદી સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડશે કોંગ્રેસ''

`મોદી સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડશે કોંગ્રેસ''
આનંદ કે. વ્યાસ તરફથી  નવી દિલ્હી, તા. 17 : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે અત્રે કોંગ્રેસના ખુલ્લા અધિવેશનમાં પક્ષના નેતાઓ અને કાર્યકરોને સંબોધતાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પક્ષ નેતાઓ અને કાર્યકરોને એવી ખાતરી આપી હતી કે મોદી સરકારના ભ્રષ્ટાચાર અને નાટકબાજીને પુરાવા સાથે ખુલ્લા પાડવામાં કોઈ કસર છોડવામાં નહીં આવે. તેમણે આ સાથે ભાજપ અને આરએસએસ સામે લડવા સમાન વિચારસરણી ધરાવતા અન્ય પક્ષોના સહકારની પણ હિમાયત કરી હતી. રાહુલ ગાંધીના મજબૂત સંદેશ સાથે આ અધિવેશન રવિવારે સમાપ્ત થશે. મોદી પર પ્રહાર કરતાં ભ્રષ્ટાચાર સામે લડવા સાથે સર્વગ્રાહી વિકાસનાં ચૂંટણી અગાઉનાં વચનો `માત્ર ડ્રામેબાજી' અને સત્તા પર કબ્જો જમાવવાની પ્રપંચી યુક્તિ હતા તેવો આક્ષેપ કર્યો હતો. અહીં 84મા કોંગ્રેસના પૂર્ણ સત્રને સંબોધતાં સોનિયાએ પક્ષને મજબૂત બનાવવા તેમજ દેશને ભેદભાવ, ઉદ્ધતાઇ સાથે વેરવૃત્તિવાળી રાજનીતિથી મુક્ત કરવા કોઇપણ પ્રકારના બલિદાન માટે તૈયાર રહેવાની પક્ષના નેતાઓને હાકલ કરી હતી. `સબ કા સાથ સબ કા વિકાસ' અને `ના ખાઉંગા, ના ખાને દૂંગા'નાં સૂત્રો માત્ર નાટકબાજી અને સત્તા હાંસિલ કરવાના પ્રપંચી ભાગરૂપ હોવાનું સોનિયાએ ભ્રષ્ટાચારમુક્ત શાસનના મોદીનાં વચનોના સંદર્ભમાં જણાવ્યું હતું. અધિવેશનનો શનિવારે પ્રારંભ કરતાં પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, માત્ર કેંગ્રેસ પાર્ટી જ દેશને એકજૂટ રાખી શકે તેમ છે. ખુલ્લા અધિવેશનને સંબોધતાં રાહુલ ગાંધીએ  જણાવ્યું હતું કે, માત્ર કોંગ્રેસ જ આ રાષ્ટ્રને માર્ગ ચીંધી શકે તેમ છે. આજે દેશભરમાં રોષ વ્યાપી  ગયો છે, રાષ્ટ્રનું વિભાજન થઈ રહ્યું છે, એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે લડાવવામાં આવી રહી છે. આ દેશ બધા ધર્મો અને બધી જાતિના લોકો માટે છે. અમે બધા માટે કામ કરશું એમ રાહુલે વધુમાં જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, `માત્ર કોંગ્રેસ જ આ દેશને દિશા આપી શકે છે અને તેના તમામ કાર્યકરો એકજૂટ છે. પક્ષપ્રમુખ બન્યા પછીનું મારું સૌથી મહત્ત્વનું કાર્ય પક્ષના પીઢ નેતાઓ અને યુવાનોને એક સાથે લાવવાનું છે. દેશ હાલ થાકી ગયો છે, તે દિશાશૂન્ય થઈ ગયો છે. માત્ર કોંગ્રેસ જ તેને દિશા બતાવી શકે છે.' કોંગ્રેસનું આ ખુલ્લું અધિવેશન ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાઈ રહ્યું છે અને રવિવારે રાહુલ ગાંધીના સમાપન પ્રવચન સાથે પૂરું થશે. સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકાર યુપીએ સરકારના 10 વર્ષના શાસનની સ્કીમો અને કાર્યક્રમોને કેવી રીતે અવગણી રહી છે અને નબળા પાડી રહી છે તે જોઈને દુ:ખ થાય છે. તેમણે મોદી સરકારને `ઉદ્ધત' ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં મોદી સરકારે કોંગ્રેસનો વિનાશ કરવામાં કોઈ કચાશ બાકી રાખી નથી. સંભવિત ગઠબંધન તરફ ઈશારો કરતાં કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું હતું કે, 2019ની ચૂંટણીમાં ભાજપ આરએસએસને હટાવવા સમાન વિચારસરણી ધરાવતા પક્ષોનો સહકાર મેળવવા વહેવારુ વલણ અપનાવવામાં આવશે, એમ પક્ષે તેના રાજકીય ઠરાવમાં જણાવાયું હતું. કોંગ્રેસે તેના રાજકીય ઠરાવમાં ઈવીએમનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. `મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવા ચૂંટણીપંચ પાસે બંધારણીય સત્તા છે અને મતદાન અને મતગણતરીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શક રહેવી જોઈએ, જેથી લોકોનો વિશ્વાસ આ ચૂંટણી પદ્ધતિમાં ટકી રહે.' કોંગ્રેસે મતપત્રિકાની જૂની પદ્ધતિ તરફ પાછા ફરવાની પણ ચૂંટણીપંચને અપીલ કરી હતી, જેથી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા જળવાઈ રહે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer