રણકાંધીએ જામ્યો મેળાનો માહોલ

રણકાંધીએ જામ્યો મેળાનો માહોલ
હાજીપીર, તા. 17  : કચ્છની કોમી એકતાના પ્રતીક રણકાંધીએ આવેલા હાજીપીર બાબાના ત્રણ દિવસ સુધી ચાલનારા મેળાનો આજથી પ્રારંભ થયો હતો. પશ્ચિમ કચ્છના પોલીસવડા શ્રી ભરાડા અને સીમા સુરક્ષા દળના કમાન્ડન્ટ રાહુલ વશિષ્ઠના હસ્તે ઉર્સનું ઉદ્ઘાટન થતાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટયા હતા.પ્રારંભમાં  વાજતે-ગાજતે ચાદર ચઢાવવામાં આવી હતી. દર વખતે રાજકીય અગ્રણીઓના હાથે મેળો ખુલ્લો મુકાય છે, પણ આ વખતે નવતર પ્રયોગ દ્વારા કચ્છની સરહદને ધ્યાને લઇને બંને ઉચ્ચ અધિકારીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. પોલીસ ને બીએસએફ દ્વારા આ સીમા પર સતત પેટ્રોલિંગ દ્વારા પોલીસ પ્રજાના સાચા મિત્ર બની રહે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. આવેલા મહેમાનોના લુણા ગ્રામ પંચાયત, હાજીપીર વ્યવસ્થા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા.  વકફ બોર્ડના ડાયરેક્ટર હાજી આમદ જત, અબ્દુલભાઇ આગરિયા, લધાભાઇ કેવર, કાસમ ચાકી, ઝહીર સમેજા, કંપની કમાન્ડર, હાજીપીર ડી. સરાજ શર્મા, નખત્રાણા ડીવાયએસપી રવિ તેજા, વસન શેટી, ડીવાયએસપી જે.કે. જયસ્વાલ, સયાજત હાજી દાઉદ, ભચાયાભાઇ, હાજી અલાજુડિયા, સુમાર જત, અબ્દુલ કરીમ તથા ગામના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આજથી શરૂ થયેલા મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત નરા પોલીસ સ્ટેશનથી પીએસઆઇ શ્રી સોઢા દ્વારા ગોઠવવામાં આવ્યો હતો.પાણી પુરવઠા દ્વારા પીવાનાં પાણી માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. નરાથી હાજીપીર સુધી પાણીની પાઇપલાઇન દ્વારા ટાંકામાં પાણી અપાઇ રહ્યું છે. ગોરેવાલી પીએચસી દ્વારા હાજીપીર પ્રાથમિક શાળામાં કેમ્પમાં લોકો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે તેવું ડો. અમીનભાઇએ જણાવ્યું હતું. મેળામાં આજે એસ.ટી. દ્વારા બસો ચાલુ કરી દેવામાં આવી છે. 65 એસ.ટી. બસો દ્વારા  લોકોને સ્થળ સુધી પહોંચાડવા આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી  વાહનોમાં પણ લોકો મોટી સંખ્યામાં આવ-જા કરે છે. મેળામાં રાત્રે કવ્વાલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના કવ્વાલ મોડી રાત સુધી જોડાશે. મેળામાં મોટી સંખ્યામાં કચ્છ એસ.ટી. મારફતે ગુજરાત-ભારતમાંથી હાજીપીર બાબાની દરગાહે માથું ટેકવવા આવી પહોંચ્યા છે. દરગાહના મુજાવર હાજી ભચાયાભાઇ, હાજીભાઇએ વ્યવસ્થા સંભાળી હતી અને એક હી આવાજ સંસ્થાના પ્રમુખ કે. એન. ચાકી અને ઝહીર સમેજાએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer