કચ્છના ડાકુઓને પ્યાદા બનાવવા નાપાક પ્રયાસ થયો હતો ?

કચ્છના ડાકુઓને પ્યાદા બનાવવા નાપાક પ્રયાસ થયો હતો ?
પાકિસ્તાનમાં ભારતીય રાજદૂત તરીકે લાંબા સમય સુધી ફરજ બજાવનાર ટી.સી.એ. રાઘવન બે વર્ષ પહેલાં નિવૃત્ત થયા. તે પછી તેમણે ત્યાંના અનુભવોને આલેખતાં બે પુસ્તક લખ્યાં અને પ્રસિદ્ધ થયાં. છ મહિના પહેલાં, એટલે કે ઓગસ્ટ-2016માં તેમના `પીપલ નેક્સ્ટ ડોર' શીર્ષક હેઠળ પ્રગટ થયેલા પુસ્તકનું વિવેચન ઇન્ડિયન એક્સપ્રેસની રવિવારીય પૂર્તિમાં વાંચવા મળેલું. એમાં કચ્છ-સૌરાષ્ટ્રને રસ પડે તેવી બે બાબતો હતી. એક હતી 1965ની ભારત-પાકિસ્તાન રણ અથડામણ પછી 30મી જૂને થયેલી યુદ્ધવિરામ સમજૂતીની. કચ્છ કરારના નામે જાણીતા એવા આ દસ્તાવેજ પર ભારત વતી વિદેશ સચિવ અઝીમ હુસેન અને પાકિસ્તાન વતી ભારત ખાતેના રાજદૂત અર્શાદ હુસેને હસ્તાક્ષર કર્યા હતા. આશ્ચર્ય અને રસપ્રદ વાત એ હતી કે બંને એકમેકના નજીકના સગા, એટલે કે કાકાઇ ભાઇ હતા. એટલું જ નહીં, સંબંધે સાળો-બનેવીયે હતા. ભાગલા વખતે અઝીમે ભારત પસંદ કર્યું એ પણ એક કથા સમાન છે. બીજી રસપ્રદ બાબત બહારવટિયા ભૂપતની હતી. સૌરાષ્ટ્રના મશહૂર ડાકુ તરીકે ભૂપતસિંહ ચૌહાણની આજેય લોકો વાત કરે છે. ભારતના રોબિનહૂડનું બિરુદ પણ લોકકથાકારોએ તેને આપેલું. તેણે સંખ્યાબંધ લૂંટ અને હત્યાઓ કરી હતી. સૌરાષ્ટ્ર-ગુજરાત પોલીસ એને પકડવા પીછો કરી રહી હતી તેવા સમયે ભાગલા પછીના પહેલા દાયકામાં જ ભૂપત કચ્છના રણ-છાડબેટ થઇને પાકિસ્તાનમાં સિંધ ભણી નાસી ગયો હતો, પણ ત્યાં પાકિસ્તાન લશ્કરે તેને પકડી લીધો અને કેસ ચાલ્યો, જેમાં તેને એક વર્ષની જેલસજા થઇ. ભૂપત એક રીઢો અને ચર્ચિત ગુનેગાર હતો તેથી ભારતે એની સોંપણી કરવા પાકિસ્તાન સમક્ષ અવારનવાર માગણી-રજૂઆતો કરી હતી. પણ, ગુનેગારોની સોંપણીની કોઇ સમજૂતી ભારત-પાક વચ્ચે નહોતી. દરમ્યાન, એવા સમાચાર સીમાપારથી આવવા લાગ્યા કે ભૂપત પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓ સાથે મળીને ભારત વિરોધી કાવતરું કરી રહ્યો છે. '60ના દાયકામાં ભારતનાં અખબારોમાં ભૂપત પાકિસ્તાનનું પ્યાદું બની ગયો હોવાની સ્ટોરીઓ પ્રસિદ્ધ થવા લાગી હતી. ટૂંકમાં, પાકિસ્તાનમાં ડાકુ ભૂપત સૌરાષ્ટ્રની આઝાદી માટે લડતા સ્વાતંત્ર્યસેનાની રૂપે ઊપસ્યો હતો. આમ કરવામાં જ એનું હિત હતું. દરમ્યાન, એવા હેવાલે આવવા લાગ્યા કે પાકિસ્તાની લશ્કર માટે ભૂપત કચ્છ અને રાજસ્થાન સહિતના ભારતીય ડાકુઓની  ભરતી કરી રહ્યો છે. ભૂપત ઇચ્છા હોવા છતાં ભારત પાછો ન આવી શક્યો. તેણે મુસ્લિમ ધર્મ અંગિકાર કરી અમીન યુસુફ બન્યો, લગ્ન પણ કર્યાં, ચાર પુત્રો અને બે પુત્રીઓનો પિતાયે બન્યો. કરાચીની બજારમાં દૂધનો ધંધો છેવટ?સુધી કર્યો. 2006માં તેનું અવસાન થયું. ગૂગલ પર અને યુ-ટયૂબ પર એના ફોટાથી માંડીને જીવનની બીજી વાતો જોઇ-સાંભળી શકાય છે. પણ, આપણા છાડબેટ પ્રકરણમાં ભૂપતના કિસ્સાને સામેલ કર્યો છે તે 1956ના એપ્રિલ મહિનાની 28મી તારીખના `કચ્છમિત્ર'માં મુખ્ય મથાળાના સમાચારને લીધે. આ સમાચારનું શીર્ષક છે `સરહદ પર તોફાનો જગાવવા પાકિસ્તાનની નવી ચાલ'. આ હેવાલમાં જણાવાયું છે કે કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાનના ભાગેડુ ડાકુઓને ભેગા કરી ભારત વિરોધી ષડ્યંત્ર રચાઇ રહ્યું છે અને તેમાં ભૂપતને પ્યાદું બનાવાયો છે. `કચ્છમિત્ર'ના આ સમાચાર શ્રી રાઘવનના પુસ્તકની વિગતોને દેખીતી રીતે જ સમર્થન આપી જાય છે. ખરેખર તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને 1956ના છેલ્લા ત્રણ મહિનાની ફાઇલોનાં પાનાં ઊથલાવીએ છીએ તો જે ચિત્ર?ઊપસે છે તે મુજબ, ભાગલા પછી સીમા સુરક્ષા દળની રચના તો છેક 1965ના યુદ્ધ પછી થઇ, પણ તે પહેલાં તો બંને દેશો વચ્ચેની સરહદો સાવ હળવી, ઢીલી અને લગભગ નધણિયાતી જ હતી. ખાસ કરીને કચ્છ અને રાજસ્થાનની સરહદેથી તો લોકો પ્રમાણમાં સરળતાથી અવરજવર કરતા રહેતા. અરે, લગ્ન વખતે જાન સુદ્ધાં આવતી-જતી, દાણચોરીયે ખુલ્લેઆમ થતી. કાપડ, ચા, ખાંડ, બીડીનાં પત્તાં, તંબાકુ ખાવડા સરહદેથી ઊંટ પર લાદીને લઇ જવાતા અને વળતી વખતે ચોખા, અજરખ, તજ, લવિંગ કે સોનું-ચાંદીની ગેરકાયદે આયાત થતી. ખેર, 1956માં છાડબેટ પરની નાપાક ઘૂસણખોરી મારી હઠાવાયા પછી લશ્કરી થાણું ભારતે સ્થાપ્યું તેથી દાણચોરી અંકુશમાં આવી ગઇ. પણ, કચ્છના કેટલાક ધાડપાડુઓ-બહારવટિયા જે પાકિસ્તાનમાં આશરો લઇને અવારનવાર કચ્છમાં લૂંટ ચલાવતા તેઓ શાંત બેસે તેમ નહોતા. અહીં આશ્ચર્યની ઘટના એ બની કે આવા ગુનેગારોને શોધીને અંકુશમાં રાખવાના હેતુસર ભારત-પાકિસ્તાન વચ્ચે પોલીસ અધિકારીઓની પરિષદ યોજાઇ અને તેમાં ગુજરાત પોલીસના આઇ.જી.ની સાથે-સાથે કચ્છના ડી.એસ.પી. શ્રી હમીરસિંહજી પણ વિમાન માર્ગે હૈદરાબાદ (સિંધ) ગયા હતા. 19મી માર્ચ-1956ના રોજ હૈદરાબાદ ખાતે યોજાયેલી આ પરિષદમાં શ્રી હમીરસિંહજીએ કચ્છનાં ગુનેગાર તત્ત્વો પાકિસ્તાનમાં ભરાઇને બેઠા છે તેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. પ્રખ્યાત બહારવટિયા ખાનજીનો  સાથીદાર મનાતો હરભમજી થરપારકરમાં છુપાયો છે તેના પર જાપ્તો રાખવા સૂચન થયેલું, જેનો પાકિસ્તાની પોલીસ સત્તાવાળાઓએ સ્વીકાર કરેલો. પાકિસ્તાનના ચાવવાના અને બતાવવાના દાંત કેટલી હદે જુદા છે એનો આ પોલીસ અધિકારીઓની પરિષદ એક દાખલો છે. ફેબ્રુઆરીમાં છાડબેટ પર ઘૂસણખોરી કરનાર પાકિસ્તાન માર્ચમાં સરહદી ગુના ન બને એ માટે બેઠક બોલાવે એ કેવું વિચિત્ર-વિરોધાભાસી છે. એક તરફ?ડાકુઓને આશરો આપે અને બીજી તરફ ભારતને આશ્વાસન આપે. પણ, એ સમયના આ બનાવો એ સૂચવી જાય છે કે પચાસ વર્ષ પહેલાં પણ દાઉદ જેવાં પ્યાદાં પાકિસ્તાને ભૂપત જેવા ડાકુઓમાં શોધી લીધાં હતાં. પાકિસ્તાનની આ જ મોડસ ઓપરેન્ડી છે-ભારત વિરોધી વલણ અને ષડ્યંત્ર. કચ્છના ધાડપાડુઓ દેશવિરોધી કાવતરામાં પાકિસ્તાનને મદદરૂપ થયા હતા કે કેમ એના વિશે કોઇ ખુલાસો `કચ્છમિત્ર'ની જૂની ફાઇલોમાં દેખાયો નથી, પણ સીમાપારથી કચ્છમાં ઘૂસીને ધાડ તો ચોક્કસ પાડતા જ હતા. છાડબેટ પ્રકરણ સંદર્ભે પ્રસિદ્ધ થયેલા એક લેખમાં જણાવાયું છે કે છાડ તો કચ્છના રણનો રખેવાળ ટાપુ કહેવાતો. નગરપારકર તરફ?જવું હોય તો છાડમાં આવ્યા વિના ચાલે જ નહીં અને કચ્છ તરફ આવવું હોય તો પશ્ચિમ બાજુએથી ધર્મશાળા આવવું પડે અને પૂર્વ બાજુએથી છાડ પર આવવું જ પડે. આ લેખમાં એમ પણ જણાવાયું છે કે કચ્છમાં ખાનજી, હરભમજી વિગેરે લૂંટ?ચલાવીને રણ ઉકરીને થર તરફ?જતા તે સૌ છાડના રસ્તે જ જતા. નખત્રાણા તાલુકામાં ધાડ પડે તો તેઓ હાજીપીરની પાછલી બાજુએથી બન્નીના છેડા ઉપર ચાલ્યા જાય અને રણ ઉકરી જાય. મુધાન બાજુએથી પણ તેઓ ચાલ્યા જતા. કોરિયાણી પાસેથી ભેંસ પર બેસીને છીછરો દરિયો ઉકરી જાય અને પેલી બાજુ શેખણી મંડી પહોંચી જાય. લેખમાં વધુમાં એમ પણ જણાવાયું છે કે છાડબેટ પર કેન્દ્ર સરકારે સી.આર.પી.એફ.ની છાવણી ઊભી કર્યા પછી કેમ્પના શીખ વડાએ બહારવટિયા રતનજીને બરાબર પકડેલો અને તે શરણે થયેલો. એ વખતના જવાનોએ સાંભળેલું કે ખાનજી બહારવટિયો રણમાં ગૂંચી ગયો હતો પણ?તેનું અવસાન તેના લીધે થયું નહોતું. આ અંગે શંકાની સોય એના ખુદના સાથીઓ તરફ ચીંધાઇ હોવાની અફવાયે તેમણે સાંભળી હતી. સરહદી ગુનાઓને સંબંધ?છે ત્યાં સુધી અખબારી રેકર્ડ એમ કહે છે કે છેક 1965 સુધી કચ્છની રણ, ક્રીક અને દરિયાઇ સરહદે એકદમ ઢીલાશ હતી. 1956ના નવેમ્બર મહિનામાં તો પાકિસ્તાનના કેટલાક ઇસમો લખપત-અબડાસા કિનારા પર આવીને પીપર ગામના એક જત અને એની 40 ભેંસો દરિયા માર્ગે ઉઠાવી ગયા હોવાની પોલીસ ફરિયાદ થઇ હતી. 


-અને પાકિસ્તાની સૈનિક અવાક્ બની ગયા...  1956માં છાડની શું સ્થિતિ હતી તેનો ચિતાર આક્રમણ વખતે જ ફરજ પરના એક જવાનના મુખેથી જાણવા મળી શકે છે.  જ્યારે આક્રમણ થયું ત્યારે છાડ ઉપર પુષ્કળ કાદવ અને કીચડ હતા. બે મથોડાં જેટલું ઘાસ હતું. મચ્છરોનો તો ગજબનાક ઉપદ્રવ. એ જવાને કહ્યું કે, સામનો કરવામાં રોકાયેલા ભારતીય જવાનોની માત્ર આંખ દેખાતી હતી. બાકી આખું શરીર અને યુનિફોર્મ કાદવથી ખરડાઇ ગયા હતા. કેટલીક જીપો તે વખતે ખાવડા અને છાડ વચ્ચેના રણમાં ખૂંપી પડી હતી અને ભારતના મર્દ જવાનો છાડ પ્રવેશી ચૂકેલા પાકિસ્તાનીઓને હકાલપટ્ટી કરવા લેશ પણ પરવા વિના આગળ ધપ્યે જતા હતા. એ વખતે ઘણાને યાદ હશે કે ભુજ વિમાની મથકે દર ત્રણ મિનિટના અંતરે વિમાનો ઊતરતાં હતાં. વિમાનો બે પ્રકારના હતાં. લશ્કરના માણસોના અને જીપવાહક વિમાન ઊતરે... સૈનિકો ઊતરે ત્યાં જીપવાહક વિમાન આવે અને જીપ ઊતરે. એક ક્ષણ પણ ગુમાવ્યા વિના જીપ સરહદ તરફ રવાના થાય. જવાને તો કહ્યું કે, પાકિસ્તાનના સૈનિકો અવાક્ અને બેબાકળા બની ગયેલા. તેમની પાસે લડવાની તૈયારી ન હતી, કારણ કે સામનો થશે તેની તેમને કલ્પના જ ન હતી. છાડમાં તે વખતે અસંખ્ય વીંછીઓ નીકળી પડેલા અને ઘણા જવાનોને વીંછીઓએ ડંખ મારેલા. જે જવાને આ લેખક સમક્ષ છાડના આક્રમણના સામનાની વાત કરી તેને પણ ત્રણ જગ્યાએ વીંછી કરડેલા. વીંછી પણ કેવા ! તદ્દન નાના કદના અને ભારે લાંબા કીડા જેવા લાગે. વળી, જે જવાનો દિવસો સુધી ઉપરોક્ત પ્રતિકૂળ કુદરત વચ્ચે ટકેલા તેમના માથામાં ખારાશવાળી ધૂળ બાઝેલી, તેથી વાળ બરછટ અને મુંડન કર્યા વગર માથું સાફ ન થાય તેવા બની ગયા હતા. કેટલાકમાં તો જૂ પડેલી અને માથું કાણું કરી નાખે એટલી હદે તેમાં ખંજવાળ આવતી. આટલું મર્દાનગીભર્યું રક્ષણ જે જમીનનું ભારતે કર્યું તે ગુમાવતાં ચોક્કસ દુ:ખ અને આઘાત લાગે. એટલું જ નહીં પણ છાડને લાગેવળગે છે ત્યાં સુધી એ ચુકાદો હકીકત તરફ સ્પષ્ટ આંખ મિચામણાં કરવા જેવો સ્પષ્ટ અન્યાયી લાગી જાય છે. છાડનું નામાભિધાન છાડ કેમ પડયું એ વિશે પણ ઘણી રસપ્રદ હકીકતો લોકજીભે પડેલી છે. હકીકતમાં છાડ એટલો રણનો છેડો... છેડછાડ કહીએ એ રીતે છેડ નીકળીને રહી ગયું છાડ. છાડનું ઘાસ ઘણું જ ઉત્તમ પ્રકારનું ગણાય એટલે એક વખત ચોપું તેમાં ઘૂસ્યું એટલે છોડે જ નહીં. `છાડ છડાઇ છડે તને', એટલે કે છાડ છોડી છોડે તો ને... એટલે કે જેને પશુઓ છોડી શકતાં નથી એ છાડ... આમ, છાડબેટડો લોકો તેના ગુણ ઉપરથી નામાભિધાન આપી ચૂક્યા. બિયાર બેટ નામ પણ એવી જ તેના ઘાસ તરફની પશુઓની લાગણી ઉપરથી પડયું છે. બિયારમાં એક વખત પશુ જાય તો પછી `બૈયાર અચે વિચારે ન', એટલે કે એક વખત બિયારનું ઘાસ ચાખ્યું તો બીજી વખત આવ્યા વિના રહેવાય જ નહીં...વિંઘો, એટલે કે વાંકો. વિંઘાબેટ વાંકો હોઇ તેને વિંઘાબેટ નામ પડયું છે. આમ, છાડ દરેક દૃષ્ટિએ કચ્છનો મહત્ત્વનો ઐતિહાસિક, લોકજીવન સાથે વણાયેલા રણના નાક સમાન હતો. એ છાડ હવે ટ્રિબ્યુનલે છડાવ્યો. એ છાડ આપણી પાસેથી ટ્રિબ્યુનલે છોડાવ્યો.  (25 માર્ચ-1968ના રોજ પ્રસિદ્ધ થયેલા લેખના કેટલાક અંશ) 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer