માધાપરમાં વીડિયો શાટિંગમાં હક્કોવાળી ફિલ્મોનાં ગીતોનાં મિક્સિંગ મામલે કોપીરાઇટ ધારા તળે ફોજદારી

માધાપરમાં વીડિયો શાટિંગમાં હક્કોવાળી ફિલ્મોનાં ગીતોનાં મિક્સિંગ મામલે કોપીરાઇટ ધારા તળે ફોજદારી
ભુજ, તા. 17 : શહેરની ભાગોળે આવેલા તાલુકાના માધાપર ગામે બાતમીના આધારે સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (ટી સિરીઝ)ની ટુકડી દ્વારા પોલીસની મદદથી ફોટોઘર નામના સ્ટુડિયોમાં દરોડો પાડી લગ્ન અને અન્ય પ્રસંગોના વીડિયો શાટિંગમાં આ કંપનીની હક્કોવાળી ફિલ્મોનાં ગીતોનું ગેરકાયદે મિક્સિંગ કરવા બાબતે કોપીરાઇટ ધારા તળે કાર્યવાહી કરાઇ હતી. આ કામગીરી અંતગર્ત રૂા. 1.22 લાખનો માલસામાન કબ્જે કરવા સાથે વિધિવત ફોજદારી ગુનો દાખલ કરાવી સ્ટુડિયોના માલિક તાલુકાના લાખોંદ ગામના ભાવિન ચંદુલાલ પાટડિયાની અટક કરાઇ હતી.  નોઇડા (ઉત્તરપ્રદેશ) ખાતે વડી કચેરી ધરાવતી ટી સિરીઝ કંપનીમાં એન્ટિ પાયરસી એક્ઝિકયુટિવ તરીકે ફરજ બજાવતા ભુજના સંજયાસિંહ અનિરુદ્ધાસિંહ ગોહિલ દ્વારા આ મામલામાં માધાપર ગામે શક્તિનગર રોડ ઉપર શ્રી હરિ કોમ્પલેક્સ ખાતે બીજા માળે આઠ નંબરની દુકાનમાં કાર્યરત ફોટોઘર નામના સ્ટુડિયોમાં આ કાર્યવાહી બાદ કોપીરાઇટ ધારા તળે સ્ટુડિયોના માલિક ભાવિન પાટડિયા સામે ફરિયાદ દાખલ કરાવી હતી. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ  ધરાઇ છે.  સત્તાવાર સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, દરોડાની કાર્યવાહીમાં કંપનીની ટીમ અને પોલીસ ટુકડીએ કોમ્પયુટરની ત્રણ હાર્ડ ડિસ્ક, કોમ્પ્યુટર સેટ,  કેબલ વગેરે મળી કુલ્લ રૂા. 1.22 લાખની માલ-સામગ્રી કબ્જે કરવામાં આવી હતી. ટી સિરીઝ કંપની જેના હક્કો ધરાવે છે તેવી ફિલ્મો તથા ભજન વગેરેનો ઉપયોગ કંપનીની મંજૂરી વગર લગ્ન અને અન્ય પ્રસંગોના વીડિયો શાટિંગમાં મિક્સિંગ કરવામાં આવી રહ્યુંં હોવાની બાતમીના આધારે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરાઇ હતી. કંપની દ્વારા પહેલાં જિલ્લા પોલીસ અધીક્ષકને લેખિત અરજી અપાઇ હતી. આ પછી તેમના હુકમથી ભુજ બી ડિવિઝન પોલીસને સાથે રાખીને આજે આ કાર્યવાહી કરાઇ હતી તથા બાદમાં કોપીરાઇટ ધારા 1957ની કલમો મુજબ ગુનો દાખલ કરાવાયો હતો.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer