રવેચી પદયાત્રા સંઘને 25 વર્ષ થતાં આજે વિશેષ પાટકોરી ઉત્સવ ઊજવાશે

રવેચી પદયાત્રા સંઘને 25 વર્ષ થતાં  આજે વિશેષ પાટકોરી ઉત્સવ ઊજવાશે
ભચાઉ, તા. 17 : પગપાળા ચાલીને યાત્રા કરી માને ખોળે માથું નમાવવા કઠોર પરિશ્રમ કરવો એ નાનીસૂની વાત નથી. ટાઢ-તડકા વચ્ચે બાળકથી લઇ વૃદ્ધો સહિત આ ભક્તિ કરે છે તે વંદનીય છે, એમ આજે ફાગણ વદ અમાસના નેર પાબુદાદાનાં સ્થાનેકથી વિરામ કરી રવેચી માતાનાં દર્શને જતા 25 વર્ષ જૂના પદયાત્રિક સંઘને વિદાય વેળા આશિષ આપતાં જગ્યાના ભુવાજી દેવશી ભગતે જણાવ્યું હતું. ઠેઠ પશ્ચિમ કચ્છથી પૂર્વ કચ્છની રવેચી માતાજી અને મોમાયમોરાની 350 કિ.મી. લાંબી પદયાત્રાના 8મા દિવસે 350 પદયાત્રી ભાઇ-બહેનોનો સંઘ ભચાઉ તાલુકાનાં નેર ગામે પાબુદાદા ધર્મસ્થાનકે વિરામ કરી બપોરનું ભોજન લઇ ખારોઇ તરફ રવાના થયો ત્યારે `જય માતાજી જય માતાજી'ના નારાથી નેરનું ધાર્મિક સંકુલ ગાજી ઊઠયું હતું. 1993ની સાલથી શરૂ?થયેલો આ યાત્રિક સંઘ દર વર્ષે ચૈત્ર માસમાં છેવાડાના લખપતના કરમટા ગામથી 8 વ્યક્તિના સંઘથી શરૂ કરી રસ્તામાં પંખા, કરમટા, ભાડરા, નુંધાતડ, નેત્રા, ઉખેડા, કડવા મંજલ, બાલાચોડ, અંગિયા મોટા, વિથોણ, જિંદાય, નથ્થરકુઇ, નિરોણા, સણોસરા, કોડકી, ભુજ-ભુજોડી સહિત સંઘમાં માનવસમૂહ જોડાતો રહે છે. જેમાં 80 વર્ષથી નુંધાતડના વડીલથી લઇ 70 ઉપરના અનેક વૃદ્ધો, રબારી, આહીરો માના ગરબા ગાતા ચાલતા રહે છે. જે ગામમાં ભોજન પ્રસાદ આરામમાં રોકાય તે ગામની પ્રજાના સુખ માટે માને પ્રાર્થના કરે છે. સંઘને 25 વર્ષ પૂરા થાય છે ત્યારે ચૈત્રી પૂનમ નોરતે રવેચી ખાતે પહોંચી. 25મી વર્ષગાંઠ નિમિત્તે પાટકોરી, રામાપીરના આખ્યાન, આરાધી ભજનો અને માના ગુણ ગાઇ દર્શન કરી વિશેષ કાર્યક્રમ રજૂ કરી મોડીરાત્રે મોમાયમોરા જવા રવાના થશે. જ્યાં મોમાયમાનાં દર્શન કરી સંઘ પૂર્ણ થશે. સંઘનું સંચાલન કરતા ભુજોડીના વંકાભાઇ મમુભાઇ રબારીએ કહ્યું કે અમારા ગામના 55 યાત્રિકો છે. સંઘમાં 10 વાહનો અને 100 જેટલા કાર્યકરો યાત્રિકોની સેવામાં છે. રાણા ભોપા (ઉખેડા), વાલજીભાઇ (બાલાચોડ), રવા ભોપા (કોડકી), કાના ભોપા (ઉખેડા), ખીમાભાઇ (વિથોણ), દેવશીભાઇ (ભુજોડી) ઉપયોગી થાય છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer