`રાવણના પાત્રને આટલો પ્રેમ મળે એ મોટી વાત''

`રાવણના પાત્રને આટલો પ્રેમ મળે એ મોટી વાત''
મુંબઈ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતીય વિદ્યા ભવન યોજિત સમારોહમાં સન્માનનો પ્રત્યુત્તર આપતાં જયેષ્ઠ અભિનેતા અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું કે, આજે ઇતિહાસ રચાયો છે, રામાયણની એક ચોપાઈ ખોટી પડી છે. `તુલસી વહાં ન જાઇએ જહાં બાપ કો ગાંવ' આ વાત તદ્દન ખોટી સાબિત થઈ છે. ભવન મારું ઘર છે, મારો બાપ છે, ભવને મારું સન્માન કર્યું છે. શુક્રવારે સાંજે ભવન-ચોપાટી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં અરવિંદ ત્રિવેદી (લંકેશ)એ જણાવ્યું કે સિરિયલ, ફિલ્મ કે નાટકમાં મેં હંમેશાં ભક્તિથી કામ કર્યું છે, ભક્તિ સિવાય કશું હતું નહીં, વળી હું ભાગ્યશાળી રહ્યો કે મને ચાંપશીભાઈ નાગડા, ઉપેન્દ્ર ત્રિવેદી, કાંતિ મડિયા જેવા મોટા કલાકારો સાથે કામ કરવા મળ્યું. રામાનંદ સાગરે `કુંવરબાઈનું મામેરું' ફિલ્મમાં નરસિંહ મહેતાનો મારો રોલ જોયો હતો. મેં કહ્યું, `હું કેવટનો રોલ કરું'. સાગરે કહ્યું, `કોસ્ચ્યુમ પહેરીને આવો.' પછી મોટી મૂંછ, લાંબા કેશ પહેરાવાયા, રેશમી વત્રો પહેરીને હું આવ્યો મને જોઇને રામાનંદ સાગર ખુશ થઈ ગયા અને કહ્યું હતું. `યુ આર માય રાવણ', એમ પીઢ અભિનેતાએ જણાવ્યું હતું. `રામાયણ' ધારાવાહિકમાં રામની ભૂમિકા કરનાર અરુણ ગોવિલના હસ્તે અરવિંદભાઇનું પુષ્પગુચ્છ વડે સન્માન કરાયું હતું. અભિનેત્રી સરિતા જોશીએ શાલ ઓઢાડી હતી. ભવનના સેક્રેટરી હોમી દસ્તુરે ભવનની પ્રતિકૃતિવાળું સ્મૃતિપદક ભેટ આપ્યું હતું. તો સુનીલ લેહરી (લક્ષ્મણ)એ શ્રીફળ અર્પણ કર્યું હતું. પ્રેક્ષકોએ સ્ટેન્ડિંગ ઓવેશન  આપ્યું હતું. અરુણ ગોવિલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, કલાકારનું મૂલ્યાંકન તેના અભિનયથી થવું જોઇએ. પોતાના રોલમાં જેટલી શક્તિ-તાકાત લગાડે એના હિસાબે તેનું મૂલ્ય થવું જોઇએ. રાવણ યોદ્ધા માટે અરવિંદભાઇએ બેસ્ટ કામ કર્યું. એમણે એ સિદ્ધ કર્યું કે, રાવણ આવો હોવો જોઇએ. ભગવાન શિવમાં તેમને બહુ શ્રદ્ધા છે, એ શ્રદ્ધા કામ કરી ગઈ. એક `વિલનને આટલો પ્રેમ મળે' એ બહુ મોટી વાત છે. અમે રામાયણ બનાવી તેના પર ભગવાન રામની કૃપા હતી. મને ખબર પડી કે, રામાનંદ સાગર રામાયણ બનાવે છે. હું સામે ચાલીને ગયો અને રામના પાત્રની માગણી કરી. તેમણે ચોખ્ખી ના પાડી દીધી હતી અને બીજા રોલ કરવા સૂચવ્યું હતું. એ પછી ખબર નહીં શું થયું, સાગરે મને બોલાવ્યો અને કહ્યું, અમારી સિલેક્શન કમિટીએ નક્કી કર્યું છે કે, તારા જેવો રામ નહીં મળે. એટલે જ કહું છું કે, અમારી રામાયણ પર રામની કૃપા હતી. પીઢ અભિનેત્રી સરિતા જોષીએ અરવિંદભાઈ સાથેનાં સંસ્મરણો વાગોળતાં કહ્યું, મારું પહેલું નાટક હતું. અરવિંદભાઈ સૌથી ટીખળી હતા. એ એવું કંઈ કરતા કે હું ખૂબ હસતી, પ્રોડયુસર લાલુ શાહ મને વઢતા. આટલાં વર્ષો પછી જેની સાથે અભિનય કર્યો છે એ અરવિંદ ત્રિવેદી સાથે હું ઊભી છું એનો મને આનંદ છે. કલાકારની સોગાદ તો પ્રેક્ષકો છે. અરવિંદભાઈને પ્રેક્ષકોએ ખોબેખોબા ભરીને વખાણ્યા છે અને કલાકાર માતબર અભિનય કરે ત્યારે સન્માન થાય છે. ભવનના સેક્રેટરી હોમી દસ્તુરે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું, અરવિંદભાઈની કારકિર્દીની શરૂઆત ભવનથી થઈ છે. તેમના શરૂના નાટક `વતેસરની વાત' નાટકને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું. તેમનામાં સેન્સ ઓફ હ્યુમર ગજબનું છે. સરળ અને સહજ માનવી. જેવા અંદર, તેવા જ બહાર. રામાયણના લંકેશના રોલમાં એમણે જે એન્ટ્રી લીધી એવી એન્ટ્રી કોઈ સિરિયલમાં જોઈ નથી. સુનીલ લેહરી (લક્ષ્મણ) એ કહ્યું કે, હું ભાગ્યશાળી હતો કે મને અરવિંદભાઈ સાથે કામ કરવા મળ્યું. રાવણના રોલ માટે તેમના જેવો સારો કલાકાર બીજો થયો નથી. અમારા પછી ત્રણ-ચાર `રામાયણ' આવી પણ અરવિંદભાઇનો રેકર્ડ કોઈ તોડી શક્યું નથી, મને તેમનો પ્રેમ-આશીર્વાદ અને માર્ગદર્શન મળ્યાં છે. સમારોહનું સંચાલન નિરંજન મહેતાએ કર્યું હતું, કમલેશ મોતાએ આભારવિધિ કરી હતી. પુરુષોત્તમ ઉપાધ્યાય, હેમરાજ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer